- આણંદના ખંભાત-ધર્મજ માર્ગ પર 18 કિમીનો રોડ ફોરલેન બનશે
- ધર્મજ-ખંભાત રોડ પર તંત્ર દ્વારા વૃક્ષ કટિંગની કામગીરી પૂરજોશમાં
- આ રસ્તા પર જૂના અને નમી ગયેલા 2400 વૃક્ષો દૂર કરાશે
આણંદઃ ખંભાત ધર્મજ માર્ગ વૃક્ષોને કારણે અકસ્માત માર્ગ ગણાતો હતો. વર્ષો જૂના, નમી પડેલા વૃક્ષો અને સાંકડા રોડને કારણે આ માર્ગ ઉપર અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 18 કિમીના આ માર્ગ ઉપરથી 2400 જેટલા વૃક્ષો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે ધારાસભ્ય મયૂર રાવલે જણાવ્યું હતું કે, ધર્મજ ચોકડીથી ખંભાત તરફ જવાના માર્ગ પર વૃક્ષોનું સામ્રાજય હોવાથી વારંવાર અકસ્માતના કારણે વાહનચાલકોને હાલાકી પડતી હતી. મીડિયામાં વારંવાર રજૂઆત બાદ આ અંગે તમામ સ્તરે રજૂઆતો કરતાં રાજય સરકારની મંજૂરી મળી હતી. આથી આણંદ જિલ્લા સ્ટેટ પીડબ્લ્યૂડી દ્વારા 2400 જેટલા વૃક્ષો દૂર કરી ફોરલેન રોડ બનાવવામાં આવશે.
રાજ્ય સરકારે બજેટ ફાળવતા ફોરલેનની કામગીરી શરૂ
આ અંગે આણંદ જિલ્લા પીડબ્લ્યૂડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજય સરકાર દ્વારા બજેટમાં ધર્મજથી ખંભાત સુધીનો 18 કિમીનો રોડ ફોર લેન બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં 2400 જેટલા વૃક્ષો દૂર કરવાની અને વરસાદી પાણી નિકાલ માટેના ગરનાળા નવીન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.