અમરેલી : અષાઢી બીજના દિવસે દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા અને પુજા અર્ચના કરવામાં આવે છે. પરંતુ અમરેલી જિલ્લાનું એક ગામ એવું છે જ્યાં અષાઢી બીજના દિવસે સમગ્ર ગામ એક દરગાહ પર જાય છે. અમરેલી તાલુકાના વડેરા ગામની અનોખી પરંપરા છે. દાઉદશા પીરને શ્રીફળ, સાકર અને લાપસી ધરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે સાંજે પાંચ વાગ્યાથી આખું ગામ દરગાહ પર ઉમટી પડે છે.
કોમી એકતાનું પ્રતિક : દાઉદશા પીરની દરગાહ વડેરા ગામથી દોઢેક કિલોમીટર દૂર આવેલ છે. અષાઢી બીજના દિવસે સમગ્ર વડેરા ગામના હિન્દુ લોકો આ દરગાહ પર માથું ટેકવા જાય છે. આમ તો વડેરા ગામમાં મુસ્લિમ સમુદાયની વસ્તી આંગળીના ટેરવે ગણાય તેટલી જ છે. પરંતુ આ દાઉદશા પીરની દરગાહ પર સમગ્ર વડેરા ગામને અતુટ શ્રધ્ધા છે. અષાઢી બીજના દિવસે સમગ્ર ગ્રામજનો અહીં દાઉદશા પીરને શ્રીફળ, સાકર અને લાપસી ચડાવવા આવે છે.
આ દરગાહ હિન્દુ-મુસ્લિમ એકતાની પ્રતિક સમાન છે. ગામના બધા લોકો અહીં દર્શન કરવા આવે છે. સમગ્ર ગ્રામજનો દરગાહનો પ્રસાદ ગ્રહણ કરે છે. આ અનોખો લ્હાવો હોય છે, જ્યારે વડેરાનો દરેક વ્યક્તિ આ પર્વને ઉત્સાહથી મનાવે છે.-- ચૌહાણ સિમાલીબેન (સ્થાનિક, વડેરા)
દરગાહનો ઇતિહાસ : વડેરા ગામમાં દાઉદશા પીરનો ઈતિહાસ વર્ષો જૂનો છે. હિન્દુ ડોડીયા પરિવારની એક જાનને બહારવટિયાથી બચાવવા માટે દાઉદશા પીર શહીદ થયા હતા. વડેરા ગામની દરગાહ પર હિન્દુ ગ્રામજનો ઉત્સાહ સાથે ઉમટી પડે છે. હિન્દુ મહિલાઓ દરગાહના પટાંગણમાં ગરબા પણ રમે છે.
અનોખી સુવિધા : ઉલ્લેખનિય છે કે, વડેરા ગામ એક એવું ગામ પણ છે જ્યાં સમગ્ર ગામને ગ્રામ પંચાયત દ્વારા વાઇફાઇની વિનામુલ્યે સુવિધા પૂરી પાડવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા આ સુવિધાનો આરંભ કરવામાં આવ્યો છે. ગામના લોકો ઉપરાંત ગામમાં આવનાર તથા પસાર થનાર લોકો પણ ઇન્ટરનેટની સુવિધાનો લાભ લઇ શકે છે. હાલમાં ગામના યુવાનો વિનામુલ્યે ઇન્ટરનેટનો સુવિધાનો લાભ લઈ રહ્યા છે. ગ્રામ પંચાયતને માસિક રૂ. ત્રણ હજારનો ખર્ચ આવે છે.