અમરેલી: જિલ્લામાં પણ આજે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સવારથી જ ભારે ઉકળાટ સાથે ગરમી પણ વધી હતી. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદી ઝાપટા પણ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લામાં વરસાદી માહોલ જામતા અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી નદી નાળામાં પૂર આવ્યું છે.
રસ્તા પર પાણી ફરી વળ્યાં: બગસરાના જૂના વાઘણીયા ગામની બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ભુવા, ધાર, મોલડી, મોટા ઝીઝુડા, ઠવી, વીરડી, નાળ, સહિત ગામડામાં વરસાદ પડતાં રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.
વેકરીયો નદીમાં પુર: સાવરકુંડલા શહેરમાં પણ થોડીવાર માટે ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તા શેરીઓમાં પાણી વહેતા થયા હતા. બીજી તરફ ચલાલા ધારી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે. સવારથી વરસાદી માહોલ થતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત થઈ છે. સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામની વેકરીયો નદીમાં ઉપરવાસ અન્ય ગામડામાં પડેલા વરસાદના કારણે પુર આવ્યું છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ: ચોમાસાની શરૂઆતમાં પ્રથમ વરસાદે વેકરીયો નદીમાં પુર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. પાણીના સ્તર ઉંચા જવાની આશાએ ખેડૂતોએ આ પુરને આવકાર્યું હતું. આ ઉપરાંત ધારીના મીઠાપુર નક્કીની સ્થાનિક નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. ધારીના ગીર પંથકના ગામડાઓમાં બપોરથી મેઘ મહેર થઈ રહી છે. જેથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યાં છે.
ગામમાં જળબંબાકાર: બગસરાના જુના વાઘણીયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્રણેક કલાકથી પણ વધુ સમય સુધી સતત વરસાદ વરસતા ગામની બજારોમાં, શેરી ગલીઓમાં ઘુટણસમા પાણી ભરાઈ ગયા હતા. ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જુના વાઘણીયા ઉપરાંત ખારી, નાજાપુર, કુકાવાવ સહિતના ગામોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે.