છેલ્લા ચાર દિવસમાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં દીપડાએ મચાવેલા હાહાકારને લઈને હવે વિસાવદર અને અમરેલી જિલ્લાના ધારાસભ્યો મેદાને આવ્યા છે. મેદાનમાં વિસાવદરના ધારાસભ્ય પોતાની બંદૂકમાંથી દીપડાને ઠાર કરવાની વનવિભાગને ચીમકી આપતા વનવિભાગ પણ દોડતું થયું છે.
છેલ્લા ચાર દિવસથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં દીપડાએ ભારે કહેર વર્તાવ્યો છે. ચાર દિવસમાં ત્રણ ખેડૂતો પર દિપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ખેડૂતોને જીવનની આકરી કિંમત પણ ચૂકવવી પડી હતી જેને લઇને હવે ખેડૂતોની સાથે અમરેલી અને જુનાગઢ જીલ્લાના કોંગી ધારાસભ્યો પણ રાજ્ય સરકાર અને વનવિભાગ સામે રણમેદાનમાં ઉતરી પડ્યા છે.
આજે અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે કોંગી ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના ખેડૂતો તેમના પરિવાર સાથે કચેરી પર હલ્લાબોલ કર્યો હતો. જેને લઇને જિલ્લા કલેક્ટરે પણ નમતું જોખ્યું હતું અને કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરને રજૂઆત માટે કચેરીમાં આવવાની પરમીશન આપવામાં આવી હતી.
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા તેમને મળેલી પરવાના વાળી રાઈફલ લઈને કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વન વિભાગ તેમના દીપડાને જંગલમાં પરત લઈ જાય નહીં તો હવે આ દીપડાને હું મારીશ તેવી ચીમકી જિલ્લા કલેકટર ઓફિસમાં ઉચ્ચારવામાં આવી હતી. જેને લઇને વાતાવરણ ખૂબ જ ઉશ્કેરાટ ભર્યું બન્યું હતું. છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે દીપડાના હુમલાઓ અમરેલી જિલ્લામાં વધી રહ્યા છે તેને લઈને ખેડૂતોની સાથે હવે જનાક્રોશ પણ ખૂબ જ વધી રહ્યો છે. જે પ્રકારે દીપડાઓ દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તેને લઈને હવે ખેડૂત અને ગામ લોકોમાં પણ ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યો ખેડૂતો અને ગામ લોકોની વહારે આવતા ગામલોકો પણ હવે વનવિભાગ અને સરકાર સામે લડી લેવાનો મુળ બનાવી રહ્યા છે. તેવામાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ તેમની પાસે રહેલી સરકારી પરવાના વાળી રાઇફલથી દીપડાને ઠાર કરવાની નેમ કલેકટર કચેરીમાં કરતા હવે વનવિભાગ પણ મૂંઝવણમાં મુકાયેલું જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ દિપડો બગસરા તાલુકામાં હાહાકાર મચાવી રહ્યો છે. પરંતુ, વનવિભાગને હજુ સુધી આ દીપડાને પકડવામાં સફળતા મળી નથી, ત્યારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ દિપડાને ઠાર કરવા પોતે હથિયાર ઉપાડી લીધું છે. જેને લઇને આગામી દિવસોમાં વન વિભાગ કોંગ્રેસના ધારાસભ્યો અને વહીવટી તંત્ર વચ્ચે દીપડાને ઠાર મારવાને લઈને કોઈ ચકમક ઝરે તેવુ પણ હાલના સંજોગો પરથી લાગી રહ્યું છે