અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર મંગળવારે રાત્રે એક ઘટના બનવા પામી હતી. એક સગીરા તેની બહેનપણી સાથે રિવરફ્રન્ટ પર ફરવા આવી હતી. ત્યારે ત્યાં હાજર એક યુવકે આ સગીરાને જણાવ્યુ કે કોઇ શખ્સ દૂરથી તેની જાણ બહાર ફોટો પાડી રહ્યો છે. જેથી આ સગીરાએ તે શખ્સ પાસે જઇને ફોન તપાસતા તેમાંથી ફોટો મળી આવ્યા હતા. જેથી સગીરાએ તે ફોટો ડિલિટ કરી નાખી પોલીસને જાણ કરી હતી.
ફોટો પાડ્યા: મુળ ભાવનગરની અને હાલ અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા આઠેક દિવસથી તેની બહેનપણી સાથે રહે છે. સગીરા એલ.ડી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરે છે. કોલેજમાં મીટીંગ હોવાથી તે અમદાવાદ આવી હતી. મંગળવારે સગીરા તેની બહેનપણી સાથે રિવરફ્રન્ટ ફરવા ગઇ હતી. રિવરફ્રન્ટ પશ્ચિમના ભાગે પાળી પર સગીરા તેની બહેનપણી સાથે બેઠી હતી. ત્યારે તેની બહેનપણીના ચશ્મા નીચે વોકવે પર પડી જતા લેવા ગઇ હતી. ત્યાં યશ રાજપૂત નામનો એક યુવક આ સગીરા પાસે આવ્યો અને ત્યાં હાજર એક શખ્સે જાણ બહાર તેના ફોટો પાડ્યા હોવાનું જણાવ્યુ હતું.
"સગીરા રીવરફ્રન્ટ પર બેઠી હતી, ત્યારે યુવકે તેના ફોટા પાડતા તેણે 181 અભયમ પર સંપર્ક કર્યો હતો અને અભયમ અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચતા ત્યાંથી યુવકને પકડી પાડવામાં આવ્યો છે. તેની સામે છેડતીની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે"-- એમ.વી પટેલે ( રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશન)
ફોટો મળી આવ્યા: જેથી સગીરાએ તેની બહેનપણીને બોલાવી અને તે શખ્સ પાસે જઇને તેનો ફોન માંગી તપાસ કરતા સગીરાના ફોટો મળી આવ્યા હતા. જેથી સગીરાએ તે ફોટો ડીલીટ કરી પોલીસને બોલાવતા પોલીસ અને અભયમની ટીમ ત્યાં આવી પહોંચી હતી. પોલીસ આ સગીરા અને ફોટો પાડનાર શખ્સને પોલીસ સ્ટેશન લાવી તે શખ્સનું નામ પૂછતા મોહમદ અલમાસ ઇકરાર કુરેશી અને તે રાણીપનો હોવાનું સામે આવ્યુ હતુ. બીજી તરફ ઘટનાની જાણ થતાં બજરંગદળના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. જેથી પોલીસે આરોપી મોહમદ અલમાસ ઇકરાર કુરેશી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.