ઘરેલુ હિંસા મામલે પત્નીને કોર્ટમાં જુબાની આપવા હાજર રહેવું જરૂરી નથી - ગુજરાત હાઇકોર્ટ
ઘરેલુ હિંસા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ 9 મે, 2023 ના રોજ એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે, પત્નીને આવા કિસ્સામાં સરતપાસ કે જુબાની આપવા માટે કોર્ટમાં હાજર રહેવું જરૂરી નથી. ઘરેલુ હિંસાના કાયદા કલમ-28 (2) હેઠળની પ્રક્રિયામાં અસ્થિર થયા વગર આ પ્રકારની પ્રક્રિયા થઈ શકે છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, કેસના સમાપના માટે કોર્ટ કાયદાકીય જોગવાઈને ધ્યાને લે છે. ઘરેલુ હિંસામાં સ્ત્રીને કાયદાથી રક્ષણ આપવામાં આવ્યું છે. આવા કાયદામાં નોટિસ બજવણી, અરજીનો નિકાલ, સુનાવણીની તારીખ સહિતની બાબતો આદેશાત્મક બનાવાઈ છે.
28 અઠવાડિયાના ગર્ભપાત બાબતે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે 24 નવેમ્બરના રોજ ગર્ભપાત બાબતે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. 16 વર્ષની તરૂણી સાથે થયેલા દુષ્કર્મના કારણે ગર્ભ રહેતા તેના ગર્ભપાતને મંજૂરી આપી હતી. ગુજરાત હાઈકોર્ટનો ગર્ભપાત અંગેનો આ મોટો ચુકાદો માનવામાં આવે છે. 28 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત અંગેની એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના એક અનાથ આશ્રમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, ગર્ભપાત માટે હોસ્પિટલે આવશ્યક બાહેંધરી આપવાની રહેશે. ગર્ભપાત દરમિયાન બાળક જીવિત નીકળે તો તેની તમામ જવાબદારી સરકાર અને હોસ્પિટલ ઉઠાવશે.
તમામ લોકોને ખાદ્ય સુરક્ષાનો અધિકાર છે- કતલખાના અને સુરક્ષા મામલે હાઈકોર્ટનો ચુકાદો
11 એપ્રિલ 2023 ના રોજ ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદેસર કતલખાના અને મટનશોપ બાબતે થયેલી અરજી સામે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે રાજ્યના કતલખાના અને ખાદ્ય સુરક્ષા ધોરણનું પાલન થાય એ બાબતે આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે ગેરકાયદેસર ચાલતા કતલખાના અને દુકાનોને બંધ કરવા ઝુંબેશ ચલાવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં થયેલ અરજી પ્રમાણે પશુઓની કતલ સમયે નક્કી કરેલ નિયમોનો ભંગ થાય છે અને પશુઓની ગેરકાયદેસર કતલ થાય છે, એ મહત્વના મુદ્દા હતા. હાઈકોર્ટે તેના ચુકાદામાં ટાંક્યું કે, તમામ લોકોને ખાદ્ય સુરક્ષાનો અધિકાર છે, ત્યારે મીટ વેચાણ કરતી દુકાનો અને કતલખાનાને નિયમોનું પાલન કરી લોકોના ખાદ્ય સુરક્ષાના અધિકારનો ભંગ કરવો નહીં.
સરકારી નોકરીમાં શૈક્ષણિક લાયકાતથી ઉપરવટ જઈને નિમણૂક કરી ન શકાય - ગુજરાત હાઇકોર્ટ
સરકારી નોકરીઓમાં શૈક્ષણિક લાયકાત અંગે ગુજરાત હાઇકોર્ટ 3 માર્ચના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, સરકારી નોકરીની નિમણૂકમાં માત્ર શૈક્ષણિક લાયકાત વધુ હોવાથી જાહેરાતમાં દર્શાવેલ શરતોનો ભંગ કરી કોઈને પણ નિમણૂક ન આપી શકાય અને જે તે ઉમેદવાર પાત્રતા ધરાવે છે તેને નિમણૂકથી વંચિત ન રાખી શકાય. ગુજરાત હાઈકોર્ટમાં B.ed ની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સુરેખાબેન કો-ઓર્ડિનેટર કમ રસોઈયા તરીકે નિમણૂક થયા હતા. સુરેખાબેનની નિમણૂક સામે ભાવનાબેન પરમારે વિરોધ કરી કેસ કર્યો હતો. જેમાં કો-ઓર્ડિનેટર કમ રસોઈયાની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત SSC પાસની હતી. ફરિયાદીની દલીલ એ હતી તે નિમણૂક પામેલ વ્યક્તિ પોસ્ટની લાયકાત કરતા વધુ શિક્ષિત છે.
પતિના મોત બાદ પત્નીને મળે સરકારી નોકરી - ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે 29 સપ્ટેમ્બરના રોજ સરકારી નોકરી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સરકારી નોકરી કરતા પતિ જો અવસાન પામે તો તેના ગંગાસ્વરૂપ પત્નીને રહેમરાહે સરકારી નોકરી મળવી જોઈએ એ અંગે ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સરકારી નોકરી કરતા પતિના અવસાન બાદ તેમના ગંગાસ્વરૂપ પત્નીને રહેમરાહે નોકરી આપવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના ચુકાદાના મહત્વના મુદ્દામાં નોંધાયું છે કે, આવી ગંગાસ્વરૂપ મહિલાઓનું સમાજમાં શોષણ ન થાય અને તેઓ આત્મનિર્ભર બને એ હેતુથી તેમને સરકાર જે તે મહિલાની ક્ષમતા પ્રમાણે રહેમરાહે નોકરી આપે.
રાજ્યના પેન્શનરને વર્તણૂક કે કોઈ ગંભીર મામલે સજા થઇ હોય તો તેનું પેન્શન બંધ થઈ શકે છે-ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે રાજ્યના પેન્શનરો બાબતે 24 જૂન 2023 ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જે અન્વયે પેન્શન 2002 ના નિયમો પ્રમાણે કોઈ પણ પેન્શનરને કોઈ ગંભીર ગેર વર્તણુક અથવા ગંભીર મામલામાં સજા થઈ હોય તો સરકાર જે તે પેન્શનરનું પેન્શન પાછું ખેંચવાની સત્તા ધરાવે છે. સરકાર આવા પેન્શનરોને કોઈ પણ પ્રકારની શો-કોઝ નોટિસ આપ્યા વગર તેનું પેન્શન ખેંચી શકે છે. રાજ્ય સરકારના આવા અધિકારી અથવા કર્મચારીઓને નિવૃતિ બાદ કોર્ટે સજા ફટકારી હોય તો એવા કેસમાં સરકાર પાસે સમયની કોઈ મર્યાદા નથી. ગુજરાત હાઈકોર્ટના ચુકાદમાં પેન્શન-2002 ના નિયમો પ્રમાણે પેન્શન પાછું ખેંચવાની સત્તા છે. આવા કેસોમાં ડીસીપ્લીનરી ઓથોરિટી અથવા સરકારે અપીલના અંતિમ નિર્ણય સુધી રાહ જોવાની આવશ્યકતા નથી એમ પણ કહ્યું છે.