- યુવા નેતા હાર્દિક પટેલ આપમાં જોડાય તેવી અટકળો
- હાર્દિક પટેલે આપ જોડાવાની વાત ટ્વિટ કરી નકારી
- આપ જોડાવાની વાત ભાજપે ફાલાવ્યાનો હાર્દિક પટેલનો આરોપ
અમદાવાદઃ ગુજરાતમાં અગાઉ કેટલીક વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) ભારતીય જનતા પાર્ટીની સમક્ષ ઊભી રહી શકે તેવી પાર્ટીનું અસ્તિત્વ જોવા મળ્યુ નથી. કોંગ્રેસ ઉત્તરોત્તર નબળી પડતી જાય છે. ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે. ગુજરાતના મહાનગરોમાં તેને સારું પ્રદર્શન કર્યુ છે, તેની નોંધ ભાજપે પણ લીધી છે. ત્યારે વર્તમાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદારોનો યુવા ચહેરો હાર્દિક પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે.
રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી
આમ આદમી પાર્ટી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાની પૂરી તાકાતથી ઝંપલાવવા જઈ રહી છે. 14 જૂન સોમવારે દિલ્હીના મુખ્યપ્રધાન અને પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arwind kejriwal) ગુજરાતની મુલાકાત લીધી હતી. કેજરીવાલે પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી તમામ 182 બેઠકો ઉપર ઝંપલાવશે તેમ જણાવ્યું હતું. તેમનું લક્ષ્ય આગામી વિધાનસભાઓની ચૂંટણીમાં 120 બેઠકો પર વિજય મેળવીને ગુજરાતમાં સત્તા સ્થાપવાનું છે. આ સાથે જ તેમણે શહેરમાં નવા કાર્યાલયનું ઉદઘાટન પણ કર્યું હતું. આ પછી પ્રેસ કોન્ફરન્સમાં પણ સંબોધન કર્યું હતું.
આ પણ વાંચોઃ 'આપ' ના શરણે ઇસુદાન: મુખ્યપ્રધાન કેજરીવાલે પાર્ટીનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત
વર્તમાન યુવા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ
એક ખાનગી ન્યુઝ ચેનલના પૂર્વ એડિટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેમની સૌરાષ્ટ્રમાં સારી પકડથી ભાજપને સૌરાષ્ટ્રમાં નુક્સાન જવાની પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ અન્ય યુવા નેતાઓ પણ ભાજપને હરાવવા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો વહેતી થઇ છે. ત્યારે વર્તમાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદારોનો યુવા ચહેરો હાર્દિક પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. બીજી તરફ પાટીદારોના ગઢ સમાન ખોડલધામના નરેશ પટેલે પણ આમ આદમી પાર્ટીને સારી પાર્ટી ગણાવી હતી. હવે ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
હાર્દિક પટેલે વાતને નકારી
જો કે હાર્દિક પટેલે ટ્વીટર મારફતે આ વાતને નકારી દીધી હતી. હાર્દિક પટેલે ભાજપ દ્વારા આ વાત માહિતી મુકવામાં આવી હોવાનું જણાવ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું હતું કે, ભાજપે જાણી જોઇને આ વાત વહેતી કરી છે. જેથી કોંગ્રેસ અને કોંગ્રેસના સમર્થકોમાં અસંતોષ વ્યાપી જાય. જો કે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જે.જે.મેવાડાએ જણાવ્યું હતું કે, આવો કોઈ પણ નિર્ણય પાર્ટીનું મોવડીમંડળ કરશે. પાર્ટીના દરવાજા દરેક માટે ખુલ્લા છે. પાર્ટીમાં ક્યારેય ફેરફાર થઈ શકે તેમ કહી શકાય નહીં. આમ જે.જે. મેવાડાએ એક નાનકડો ઈશારો આપ્યો હતો.
હાર્દિક પટેલના આક્ષેપ પર ભાજપની પ્રતિક્રિયા
હાર્દિક પટેલના ભાજપ પર આક્ષેપ મુદ્દે પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, અગાઉ કેટલીય પાર્ટીઓ 182 બેઠકો પર ભાજપ સામે ચૂંટણી લડી છે. પરંતુ તેમની બેઠકનો આંકડો ડબલ ડિજિટમાં પણ પહોંચી શક્યો નથી. જ્યાં સુધી હાર્દિક પટેલની વાત છે, તો ભાજપ પોતાની લીટી મોટી કરવામાં માને છે. ભાજપ વિકાસના મુદ્દા પર ચૂંટણીઓ લડે છે. આથી જ પ્રજાએ ભાજપને મત આપ્યા છે. તો આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ ભવ્ય જીત મેળવશે.
આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી 182 સીટ પર લડશે ચૂંટણી: અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસથી વિરોધ પક્ષોમાં ડરનો માહોલ
અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે તેમણે સતત બેઠકો યોજી હતી. પરિણામે વિરોધ પક્ષો કોંગ્રેસ અને ભાજપમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસે જાહેર પ્રતિક્રિયા આપી હતી. જ્યારે ભાજપમાં પ્રદેશ કાર્યાલય કમલમ ઉપરથી સતત અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી હતી. ભાજપના કેટલાક ધારાસભ્યો તો સર્કિટ હાઉસ પર નજર રાખી રહ્યા હતા. જો કે એ વાત ચોક્કસ છે કે આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મજબૂત ટક્કર આપશે.