અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીની ઋતુ જામી છે. ઠંડી સાથે પવનનું જોર પણ વાતાવરણમાં છે. આજકાલ આકાશમાં વાદળ હોવાને લીધે કેટલાક સમય માટે વાતાવરણ વાદળછાયું પણ રહે છે. જો કે આ દિવસોમાં ક્યાંય વરસાદ થયાની માહિતી મળતી નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડીગ્રી નોંધાયું છે. જ્યારે રાજ્યમાં ઉત્તરપૂર્વીય પવનોની પણ અસર જોવા મળી રહી છે. આવનારા સપ્તાહમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાતાવરણમાં વરસાદ, ઠંડી અને વાદળોની સ્થિતિ વિશે વિગતવાર જણાવ્યું છે.
આગામી સપ્તાહનું હવામાનઃ અત્યારે ગુજરાતમાં હવામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી સપ્તાહે પણ આટલી ઠંડી જ વાતાવરણમાં જોવા મળશે. આગામી 24 કલાક દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તેથી આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધશે, પરંતુ ક્યાંય વરસાદની સંભાવના નથી. જેથી ખેડૂતોએ વરસાદથી પાક બગડવા બાબતે ચિંતા કરવાની જરુર નથી. જો કે 5થી 7 દિવસ દરમિયાન વાતાવરણ સુકુ(ડ્રાય) રહેશે. સૌથી ઓછું તાપમાન નલિયમાં 11.4 ડીગ્રી રહેશે. 3 દિવસ બાદ ઠંડીનો પારો 1થી 2 ડીગ્રી પણ ગગડશે.
આગામી 5-7 દિવસ રાજ્યમાં મોટાભાગે વાતાવરણ ડ્રાય રહેશે. હાલ જેટલી ઠંડી વાતાવરણમાં છે તેટલી જ ઠંડી આગામી સપ્તાહે જોવા મળશે. આગામી 24 કલાક વાતાવરણ વાદળછાયું રહેશે પણ વરસાદ પડવાની સંભાવના નહિવત છે. આવનારા દિવસોમાં નલિયાનું તાપમાન 11.4 ડીગ્રી જેટલું થઈ શકે છે...ડૉ. મનોરમા મોહંતી(ડાયરેક્ટર, હવામાન વિભાગ)