•વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.
•શસ્ત્ર પૂજન બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યની કરાઇ ચર્ચા
•શસ્ત્ર પૂજનમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઝીલુભા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા
વિરમગામઃ વિજયા દશમીના પાવન દિવસે વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઘેલડા મુકામે દેત્રોજ તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘેલડા ગામના નાગરીકો, સ્વયંસેવકો, તથા દેત્રોજ રામપુરાથી આવેલ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. શસ્ત્ર પૂજનના કાર્યક્રમ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે હેતુથી કાર્ય કરી રહ્યા છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યની ચર્ચા
કોરોના મહામારીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવેલી સેવાના કાર્યોની પણ વાત કરવામાં આવી હતી. સંઘની સ્થાપનાથી માંડીને આજ દિન સુધી સંઘ દ્વારા જે કાર્યો કરવામાં આવેલા તેની વાત કરવામાં આવી હતી. હિન્દુ સંસ્કૃતિમાં વિજયા દશમીનું ખૂબ જ મહત્વ રહેલું છે એની પણ વાત કરવામાં આવી છે. રામ રાવણનું યુદ્ધ કૌરવ-પાંડવોનું યુદ્ધ ધર્મનો વિજય થયો માટે હિંદુ ધર્મનો વિજય કરવો હશે તો સામાજિક સમરસતા જરૂરી છે એની પણ વાત કરવામાં આવી હતી.
મહેમાનો રહ્યા ઉપસ્થીત
આ કાર્યક્રમમાં તાલુકા કાર્યવાહ સતીષપ્રસાદ રતિલાલ ભટ્ટ દ્વારા બૌદ્ધિક આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ પરબતજી ઠાકોર, દેત્રોજ વેપારી મંડળના પ્રમુખ મનુજી ઠાકોર તથા વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ પ્રમુખ ઝીલુભા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ તાલુકાના હિરાપુરા અને માંડલ, સાણંદ તાલુકામાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.