8 નવેમ્બર 2014ના રોજ 30 જેટલા યુવકોએ રૂ.300ની તકરારમાં રિક્ષાચાલક શિવાજી રાવ પર હુમલો કરીને હત્યા કરી હતી. આ ઘટનામાં 18 લોકોની મણિનગર પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે 14 નવેમ્બર 2014ના રોજ વિવેક ઉર્ફે વિક્કી મોતીલાલ રાણા ક્રાઇમ બ્રાંચમાં હાજર થયો હતો. જેથી તેની કસ્ટડી મણિનગર પોલીસને સોંપવામાં આવી હતી. વિવેકને મણિનગર પોલીસ ઇન્સ્પેક્ટર વી. જે. ગઢવી, એસીપી રીમા મુન્શી, પીએસઆઇ નરેશ ચૌધરી અને કોન્સ્ટેબલ ભરતભાઇએ લાકડી તેમજ પટ્ટા વડે માર માર્યો હતા. બીજા દિવસે પોલીસે વિવેકના પરિવારને ફોન કરી કહ્યું હતું કે વિવેકની હાલત બહુ ખરાબ છે, તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જેથી વિવેકની બહેન રેણુકા તેનાં પરિવારજનોને લઇ એલજી હોસ્પિટલ પહોંચી ગયાં હતાં. જ્યાં વિવેકના શરીર પર ઇજાનાં નિશાન હતાં અને તેને આઇસીયુ વોર્ડમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વિવેકનું મોત થયું હતું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે થોડા મહિના બાદ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
બીજી તરફ એસઓજીના એસીપી બી.સી.સોલંકીએ આ મામલે પીઆઇ વી.જે.ગઢવી, એસીપી રીમા મુન્શી સહિત ચાર સામે આઇપીસીની કલમ 330 અને 114 મુજબ ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં પોલીસે તમામ સામે આરોપ છે કે, બળજબરી પૂર્વક કબુલાત માટે વિવેકને સ્વેચ્છા પૂર્વકની ઇજા પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ તેનું મોત થયું હતું. નોંધનીય છે કે, ચાર્જશીટ રજૂ થયા બાદ આ મામલે હવે કોર્ટ ચાર્જફ્રેમ કરવાની પ્રક્રિયા હાથ ધરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે રીમા મુન્શી, પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.ગઢવી સહિત ચારને પોલીસે તપાસ માટે બોલાવ્યા હતા. ત્યાર બાદ તેમની 26 જુલાઇ 2018ના રોજ ધરપકડ કરી હતી. તમામ સામે જામીનપાત્ર ગુનો હોવાને કારણે એસઓજીએ તેમને ત્યાંથી જ જામીન પર મુક્ત કરી દીધા હતા. ત્યાર બાદ તમામ સામે ચાર્જશીટ કરવામાં આવી છે.