વલસાડ : હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશેનું જણાવવામાં આવ્યું હતું. જેને પગલે ખેડૂતો ચિંતામાં હતા, ત્યારે કપરાડા તાલુકાના અનેક ગામોમાં બપોર બાદ વરસાદ તૂટી પડ્યા કેરીનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોને ખાસ્સું નુકસાન ભોગવવાનો વારો આવશે.
ખેડૂતો મુકાયા ચિંતામાં : હવામાનમાં થઈ રહેલા ક્લાયમેટ ચેન્જની અસરને લઈને અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં બેથી ત્રણ વાર કમોસમી વરસાદ થઈ ચૂક્યો છે. જેના કારણ જાન્યુઆરીથી માર્ચમાં સુધીમાં આંબાવાડીમાં તૈયાર થતા ફૂલો પર તેની સીધી અસર થાય છે. મોટાભાગે આંબે આવેલા ફૂલ કાળા થઈને ખરી પડ્યા છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ માવજતને કારણે નાનકડી લખોટી જેટલી તૈયાર થયેલી કેરીઓ કમોસમી વરસાદને કારણે પાણી લાગવાથી બગડીને ખરી પડી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
વરસાદી માહોલ : દર વર્ષે એપ્રિલમાં શરૂ થતાની સાથે જ મોટાભાગના ખેતરોમાં કેરીનો પાક તૈયાર થઈ જતો હોય છે. ખેડૂતો કેરી ઉતારવાનું પ્રારંભ કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે ક્લાયમેટ ચેન્જને કારણે ત્રણથી ચાર વખત આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. કારણ કે કેરીનો પાક તૈયાર થયો નથી એટલે કે કેરીનો પાક આ વખતે 15 દિવસ પાછળ જવાની શક્યતા વધી રહી છે.
કપરાડામાં કમોસમી વરસાદ : કપરાડાના વાવર ગામે બપોર બાદ અચાનક કરા સાથે અને પવન સાથે સતત એક કલાક સુધી વરસાદ પડ્યો હતો. જેના કારણે રોડ પર પાણી પાણી થઈ ગયું હતું. એટલું જ નહીં વરસાદમાં કરા પડ્યા હતા. જેને લઈને સ્થાનિકો આશ્ચર્યમાં મુકાયા હતા. ભર ઉનાળે કરા સાથે પડેલા વરસાદને કારણે બાળકો ગેલમાં આવી ગયા હતા, પરંતુ બીજી તરફ ખેડૂતોની હાલત કફોડી બની હતી.
37,000 હેકટરમાં છે આંબાવાડી : વલસાડ જિલ્લો આમ તો સમગ્ર વિસ્તાર કેરીના પાક માટે જાણીતો છે, પરંતુ બાગાયત વિભાગના સર્વે અનુસાર વલસાડ જિલ્લામાં અંદાજે 37,000 હેક્ટરમાં કેરીનો પાક વાવેલો છે. જે રીતે સતત ત્રણથી ચાર વાર કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે આ વર્ષે કેરીના પાકને તેની સીધી અસર પહોંચી છે. અંદાજિત 26000 હેક્ટરમાં કેરીના પાકને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : Meteorological Department News : રાજ્યમાં ગરમીનો પારો વધવાની સાથે માવઠાની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ જૂઓ
હાફુસ કેરી : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતી એવી હાફૂસ કેરી વિશ્વમાં જાણીતી બની છે, પરંતુ કમોસમી વરસાદને પગલે આ વખતે હાફૂસ કેરી ખાનારાઓને ચિંતામાં મુકાવવાનો વારો આવ્યો છે. કારણ કે હાફૂસ કેરીના ઝાડ અત્યંત સંવેદનશીલ હોય છે અને વાદળછાયુ વાતાવરણની અસર તેના પર સીધી જોવા મળે છે. જેથી કેરીનો પાક ગળી જતો હોય છે જેના કારણે આ વખતે હાફૂસના રસિયાઓને ચિંતા ભોગવવી પડશે.
આ પણ વાંચો : Kesar Mango in Junagadh : કેસર કેરીનો પ્રતિ કિલો ભાવ દાંત ખાટા કરે એવો, જૂનાગઢની બજારમાં શું ભાવ છે જૂઓ
ખેડૂતોને રડાવ્યા : ખેતીવાડી વિભાગના અધિકારી એકે ગરાસિયાના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં 37,000 હેક્ટરમાં કેરીનો પાક આવેલો છે. પરંતુ આ વર્ષે જે રીતે ઉપરા છાપરી વરસાદ આવી રહ્યો છે અને હજુ પણ આગાહી કરવામાં આવી રહી છે. જેને પગલે કેરીના પાકને નુકસાનની દેસત વર્તાય છે. એટલું જ નહીં કમોસમી વરસાદે ખેડૂતોને રીતસર મુશ્કેલીમાં મૂકી દીધા છે. જોકે હાલમાં સરકારના આદેશ મુજબ આંબાવાડીઓમાં સર્વેની કામગીરી કરવામાં આવનાર છે. જે માટેના અનેક જગ્યા પર નુકસાન પામેલા ખેડૂતોએ ફોર્મ ભર્યા છે. હજુ પણ બે દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેને પગલે માત્ર આંબાવાડીના ખેડૂતો નહીં પરંતુ શાકભાજી કરનારા ખેડૂતોને પણ ચિંતામાં મુકવાનો વારો આવ્યો છે