અમદાવાદઃ સોલા પોલીસની હદ વિસ્તારમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં લોકોને ખુલ્લી જેલમાં રાખવામાં આવે છે. સોલા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં બેરીકેડ દ્વારા એક વિસ્તાર બનાવવામાં આવ્યો છે. જેની અંદર લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં લોકોને પાંચ કલાક સુધી રાખવામાં આવે છે. સામાન્ય ગુનાઓમાં પકડાયેલાં વ્યક્તિઓ કે જેઓને એક દિવસની કે અન્ય સામાન્ય સજા થતી હોય તેમને પણ સૌપ્રથમ સેનિટાઇઝિંગ ટનલમાંથી પસાર થઈને સેનિટાઇઝ થયા બાદ સજા કાપવા આ વિસ્તારમાં જવાનું રહે છે.જ્યાં પોલીસ દ્વારા તેમને માસ્ક પણ અપાય છે.
સોલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, અહીં રાખવામાં આવતાં લોકો સામાન્ય સજાવાળા હોય છે. આ પ્રયોગનો હેતુ ફક્ત તેમનામાં સુધાર લાવવાનો છે. તો બીજીતરફ કોરોના વાયરસની આ મહામારીના સમયમાં પોલીસ સ્ટેશનમાં કે અન્ય કેદીઓ ભેગા તેમને રાખવાથી કોરોના વાયરસના સંક્રમણનો ભય પણ રહે છે. જેને અટકાવવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે.