અમદાવાદ: પોલીસની ખોટી ઓળખ આપીને એક યુવકનું અપરણ કરી 25 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સામેલ બે આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આરોપીઓને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે ઝડપાયેલા આરોપીની ધરપકડ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી, તેઓને વડનગર પોલીસને હવાલે કરી આગળની તપાસ સ્થાનિક પોલીસને આપી છે.
યુવકનું અપહરણ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ મુજબ ટીમને મળેલી બાતમીના આધારે મહેસાણાના વિજાપુરના આનંદકુમાર પટેલ તેમજ ગાંધીનગરના માણસાના શૈલેષ સિંહ રાઠોડ (રાજપુત) નામના યુવકની ધરપકડ કરી હતી. આરોપીઓએ 25 જુલાઈ 2023 ના રોજ જગદીશ ઠાકોર નામના વડનગર મહેસાણાના યુવકનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ અન્ય આરોપીની મદદથી સાંજના ચાર વાગ્યાના અરસામાં યુવકના ગામની બહાર આવેલા નેળીયામાં તે હાજર હોય ત્યારે પોતાની પોલીસ તરીકેની ઓળખાણ આપીને સ્કોર્પિયો ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું.
અપહરણનો ગુનો નોંધાયો: જે બાદ આરોપીઓએ ભોગ બનનારના કુટુંબના સભ્યો પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જે ખંડણીની રકમ ન મળતા ભોગ બનનારને બીજા દિવસે સાંજના સમયે પ્રાંતિજ ખાતે ગાડીમાંથી ઉતારી આરોપીઓ ભાગી ગયા હતા. જે મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો પણ નોંધાયો હતો.
ગુનાહિત ઇતિહાસ: આ મામલે આરોપીઓની તપાસ કરતાં પકડાયેલો આરોપી શૈલેષ રાઠોડ વર્ષ 2015 ની સાલમાં માણસા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં, 2017માં પ્રાંતિજમાં જ અપહરણના ગુનામાં અને 2018માં સાંતેજમાં દારૂના ગુનામાં ઝડપાયો હતો. જ્યારે આનંદ પટેલ વર્ષ 2017માં લાડોલમાં મારામારીના ગુનામાં અને 2022 માં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખોટા ગુનામાં પકડાયો હતો.