અમદાવાદ : શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં જૂના ઝઘડાની અદાવત સામસામે મારામારી થઈ હતી. જેમાં તીક્ષ્ણ હથિયારથી ઈજાઓ થતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે કાગડાપીઠ પોલીસ મથકે હત્યા અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ એસ.સી.એસ.ટી સેલને સોંપવામાં આવી છે.
ચકચારી હત્યા : અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા વિશાલ પરમાર નામના યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પરિવાર સાથે રહેતા હોય અને નરોડા ફ્રુટ માર્કેટમાં મજૂરી કરે છે. તેઓને પરિવારમાં ત્રણ ભાઈઓ છે. જેમાં સૌથી મોટો હિમાંશુ રૂર્ફે અક્ષય પરમાર અને તેનાથી નાનો ફરિયાદી પોતે અને અન્ય ભાઈ ધર્મેશ છે. જે મજૂરી કામ કરે છે.
જૂની અદાવતમાં હત્યા : બનાવની મળતી વિગત અનુસાર 30 ઓગસ્ટના રોજ ફરિયાદી પોતાના મિત્રો સાથે શાઆલમ વિસ્તારમાં હતા. તે સમય રાત્રિના દસ વાગ્યે તેઓના ફોન ઉપર મિત્ર કિશનનો ફોન આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તેના ભાઈ હિમાંશુ સાથે ગત 31 ડિસેમ્બરના રોજ ધર્મેશ ચુનારા તેમજ મહેન્દ્ર ચુનારા દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો. તે જ લોકો તેઓના ઘરની બહાર રાતના 10:00 વાગે આવી હિમાંશુ સાથે ઝઘડો કરે છે.
આરોપીઓ અને મૃતક વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો. જેની અદાવત હતી અને સિગારેટ બાબતે ફરી ઝઘડો થતા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ કરાવી પૂછપરછ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.-- રવિ મોહન સૈની (DCP, ઝોન-6 અમદાવાદ)
જીવલેણ ઝગડો : આથી ફરિયાદી પોતાના ઘરે ગયા અને રસ્તામાં તેઓએ સાહિલ રાઠોડને ફોન કરીને ઘર આગળ આવવા માટે જણાવ્યું હતું. રાત્રે સવા દસ વાગ્યા આસપાસ તેઓ ઘરે પહોંચતા તેઓના ભાઈ હિમાંશુ ત્યાં હાજર હતા. તેઓને ઝઘડાનું કારણ પૂછતાં સામેવાળા બંને લોકોએ જણાવ્યું હતું કે, અગાઉના ઝઘડાની દાજ હોય અને આજે તારા ભાઈ પાસે સિગારેટ પીવા માટે પૈસા માંગ્યા પરંતુ નહી આપતા મને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. આરોપીઓએ ધમકી આપી હતી કે, જો તું વચ્ચે પડીશ તો તને પણ મારી દઈશું. તેવામાં તેઓનો મિત્ર સાહિલ પણ આવી અને આરોપીઓને સમજાવતા તમામ લોકો ઉશ્કેરાયા હતા.
યુવકનું મોત : આરોપી ધર્મેશ દ્વારા પોતાની પાસે રહેલી ધારદાર છરી કાઢી ફરિયાદી અને તેના ભાઈ ઉપર ફેરવી નાખી હતી. ઉપરાંત મહેન્દ્ર દ્વારા તેઓને માર મારવામાં આવ્યો હતો. ઝઘડો વધી જતા ધર્મેશે પોતાની પાસેની છરી વડે ફરિયાદીના ભાઈ હિમાંશુ પરમારને પેટના ભાગે અને માથાના ભાગે હુમલો કર્યો હતો. જેમાં તેઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને આરોપી ભાઈઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આરોપીઓ ઝડપાયા : ઈજાગ્રસ્ત યુવકને તબીબે મૃત જાહેર કરતા સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારા નામના બંને ભાઈઓ સામે હત્યા અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બાદમાં બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.