અમદાવાદ: નોબલનગર વિસ્તારમાં રહેતા લીલાબેન મારવાડીએ આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી છે. તેઓના પતિનું 15 વર્ષ પહેલાં અવસાન થયું હોય તેઓ છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં ત્રણ દીકરીઓ અને બે દીકરા છે, જેમાં તેઓની 20 વર્ષીએ દીકરી ભારતીએ 9 મહિના પહેલા નિકોલમાં પારંતી આવાસ યોજનામાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન થયા હતા. જોકે ફરિયાદીની દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા.જે બાદથી તે તેની સાસરીમાં રહેતી હતી. તેનો પતિ લોડિંગ રિક્ષા ડ્રાઇવિંગ કરતો હોય અને તેના સાસુ જ્યોતિબેન ઘર કામ કરતા હતા.
"આ અંગે અગાઉ અકસ્માત મોત દાખલ થઈ હતી, અને હવે મૃતકના માતાએ ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે." -- કૃણાલ દેસાઈ (આઈ ડિવિઝનના ACP)
હકીકત જણાવી: 28મી એપ્રિલ 2023 ના રોજ વહેલી સવારે ફરિયાદીના જમાઈ ધવલ ચૌહાણએ તેઓને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓની દીકરી ભારતી છઠ્ઠા માળેથી પડી જતા શરીરે ઇજાઓ થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી છે. જેથી તેઓ હોસ્પિટલ ખાતે ગયા હતા અને ત્યાં દીકરી તેમજ તેનું બાળક વૃદ્ધ હાલતમાં હતું. તેઓની દીકરી તેના લગ્ન બાદ ચાર પાંચ વખત તેઓને મોબાઇલથી ફોન કરીને મળવા માટે કુબેરનગર પણ આવી હતી. તે સમયે તેને પતિ અને સાસુ હેરાન કરતા હોય અને તે ગર્ભવતી હોય તે પ્રકારની હકીકત જણાવી હતી.
આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ: મૃતક ભારતીએ તેની મોટી બહેન ગૌરીને પણ પતિ અને સાસુ માનસિક ત્રાસ આપીને હેરાન કરતા હોવાની જાણ કરી હતી. તેને પતિ અને સાસુ દ્વારા ત્રાસ આપવામાં આવતા તેનાથી સહન ન થતા તેણે છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી, અને આ ઘટનામાં તેના ગર્ભમાં રહેલા 6 મહિનાના બાળકનું પણ મોત થયું હતું, જેથી આ સમગ્ર બાબતને લઈને અંતે નિકોલ પોલીસ મથકે ધવલ ચૌહાણ અને જ્યોતિબેન ચૌહાણ સામે આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ છે.