અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા ચોખા બજારમાં થોડા દિવસો અગાઉ 21 દુકાનોના તાળા તૂટેલા હાલતમાં હોવાથી ચકચાર મચી ગઈ હતી. દરેક દુકાનોમાં નાની-મોટી રકમની ચોરી થઇ હતી. આ મામલે દરિયાપુર પોલીસે ગુનો નોધી તપાસ શરુ કરી હતી. ગુનાની ગંભીરતાને કારણે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી.તે સમયના CCTV ફૂટેજના આધારે તપાસ શરુ કરવામાં આવી હતી.
આ ચોરીના આરોપીઓ અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે 2 આરોપી હાકમ કાઠાત અને ઈમ.બી. શિવાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી રોકડ રકમ, લોખંડનું ખાતરિયું અને મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, હાકમ મૂળ રાજસ્થાનનો અને શિવા મૂળ બેંગ્લોરનો રહેવાસી છે. બંને આરોપીઓએ ગુજરાત સહીત દેશના અનેક રાજ્યોમાં ચોરીને અંજામ આપેલ છે.
મહત્વની વાત એ છે કે, અરોપીઓ ચોરી કરવા માટે હવાઈ માર્ગે જતા હતા અને ખોટા પુરાવા આપી હોટલમાં રોકાતા હતા. જે બાદ દિવસ દરમિયાન ચોરી કરવાની જગ્યાની રેકી કરતા હતા અને રાતે ચોરીને અંજામ આપતા હતા. આરોપી ખાત્રીયાથી જ દુકાનના તાળા તોડતા હતા. કાલુપુર ચોખા બજારની પણ આરોપીઓએ રેકી કરી હતી અને તે બાદ ચોરીને અંજામ આપ્યો હતો. 21 દુકાનોના તાળા તોડી અંદાજે 3.5 લાખથી વધુ રકમની ચોરી કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓ પૈકી ઈમ.બી.શિવા તેલંગાણા રાજ્યમાં ઘરફોડ ચોરીનો વોન્ટેડ છે. ઉપરાંત બેંગ્લોર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ વગેરે રાજ્યોમાં ચોરીને અંજામ આપી ચુક્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. હવાઈ માર્ગે જઈને ચોરી કરવાની રીતને કારણે ચોરને VIP કહી શકાય.