- કૃષિ સુધારબિલ કિસાન સ્વતંત્રતા, કિસાનહિત અને કિસાન ઉત્કર્ષ માટે – ભરત પંડયા
- ભાજપ તા.17-18-19 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં 10 કિસાન સંમેલનો યોજશે – ભરત પંડયા
- ભાજપ અગ્રણી નેતાઓ ખેડૂતોનો રોષ ઠંડો પાડશે
અમદાવાદ : ગુજરાત ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ ગુજરાતમાં યોજાનાર કિસાન સંમેલનોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશનાં ખેડૂત સ્વતંત્ર રીતે ખેત પેદાશો વેચી શકે, વચેટીયાઓથી છૂટકારો મેળવી શકે. ન્યુનતમ ટેકાના ભાવે MSP ની વ્યવસ્થા અને સરકાર દ્વારા પણ ખરીદી ચાલુ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતની આવકને બમણી કરવા સતત પ્રયાસો કરી રહ્યાં છે.
ભાજપ દેશમાં 700 પત્રકાર પરિષદો યોજશે
કૃષિ સુધારબિલ કિસાનની સ્વતંત્રતા, કિસાનહિત અને કિસાન ઉત્કર્ષ માટે છે. તેનો વધુને વધુ પ્રચાર કરવા માટે કેન્દ્રીય ભાજપે દેશમાં 700 પત્રકાર પરીષદો અને 700 સ્થાનો ઉપર કિસાન સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે ગુજરાત ભાજપે પણ ગુજરાતમાં 10 કિસાન સંમેલનો યોજવાનો નિર્ણય કર્યો છે અને 10 પત્રકાર પરિષદ પણ યોજાશે. આ સંમેલનોમાં પ્રદેશ અગ્રણીઓ,સંસદ સભ્ય, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે. આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરત ખાતેથી કિસાન સુધારબિલ, કિસાનહિતના નિર્ણયો,યોજનાઓની જનજાગૃતિ માટે પત્રકાર પરિષદ યોજી હતી.
સંમેલનોમાં પ્રદેશ અગ્રણીઓ,સંસદ સભ્ય, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે
ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, તા.17 ડિસેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બારડોલી ખાતે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે, કેન્દ્રીય કૃષિપ્રધાન પરષોત્તમ રૂપાલા રાજકોટ જિલ્લાના પડધરી ખાતે, રાજય કૃષિપ્રધાન આર.સી.ફળદુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે તેમજ બનાસકાંઠાના ડિસામાં ગોરધન ઝડફિયા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને કિસાન હિતકારી નિર્ણયોની માહિતી આપશે. તા.18 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી નવસારી જિલ્લાના ચિખલી અને તા.19 ડિસેમ્બરના રોજ આણંદ જિલ્લાના કરમસદ ખાતે, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છ જિલ્લાના માધાપર, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી જૂનાગઢ જિલ્લાના કેશોદ અને કેન્દ્રીય કૃષિપ્રધાન પરષોત્તમ રૂપાલા મહેસાણાના વિજાપુર ખાતેના કિસાન સંમેલનોમાં ઉપસ્થિત રહીને ખેડૂતોને માર્ગદર્શન આપશે.
ખેડૂતોમાં ભ્રમ ઊભો કરીને ગેરસમજ દ્વારા ગેરમાર્ગે દોરનારા કોંગ્રેસ અને ખેડૂતહિત વિરોધી લોકોને આ કિસાન સંમેલનોમાં ખુલ્લા પાડવામાં આવશે – ભરત પંડયા
આ કિસાન સંમેલનોમાં કૃષિ સુધારબિલ અંગેના મુદ્દાઓની અને ખેડૂતના હિતકારી પગલાંઓની જાણકારી આપવામાં આવશે અને ખેડૂતોમાં ભ્રમ ઊભો કરીને ગેરસમજ દ્વારા ગેરમાર્ગે દોરનારા કોંગ્રેસ અને ખેડૂતહિત વિરોધી લોકોને ખુલ્લા પાડવામાં આવશે.