અમદાવાદઃ ગુજરાતી નાટક ફિલ્મો અને મુંબઈની રંગભૂમિમાં પોતાની આગવી છાપ ઉભી કરનાર અર્ચના ચૌહાણના પરિવારમાં કોઈ પણ દૂર દૂર સુધી નાટક કે અભિનય કળા સાથે સંકળાયેલા નથી, પરંતુ અર્ચના ચૌહાણે આ કળામાં રસ ધરાવીને આગળ વધવાની કોશિશ કરી હતી. સૌ પ્રથમ નાટકમાં અભિનય કર્યો, ગુજરાતી ધારાવાહિક અને ફિલ્મોમાં પણ પોતાના અભિનયથી એક અલગ જગ્યા બનાવી ત્યારબાદ અભિનય સાથે જ લેખન અને દિગ્દર્શન ક્ષેત્રે પણ સરાહનીય કામગીરી કરી રહ્યા છે.
અર્ચના દ્વારા પહેલું નાટક 'રૂપિયાનું ચક્કર ચાલે છે'થી માંડીને સ્ત્રી પર થતા અત્યાચાર પર લખાયેલ નાટક "બિકોઝ આઇ એમ નોટ ગીલ્ટી" દેશ અને વિદેશમાં ખૂબ જ પ્રચલિત થયું હતું. જેને મુંબઈના પ્રોડક્શન દ્વારા પણ ભજવવામાં આવ્યું છે. આ બધી જ સફળતાઓ પછી નાની ઉંમરે આ અભિનેત્રી-લેખિકાને જીવલેણ બીમારી કેન્સરનો ભોગ બન્યા હતા. આ પહેલા ચરણના કેન્સરને હિંમતભેર હરાવી કામ આગળ વધાર્યું અને મુંબઈના પ્રોડક્શન હાઉસ માટે નવું નાટક લખ્યું. તેમના આ નાટકને ભારોભાર પ્રશંશા મળી હતી.
હાલમાં અર્ચના ચૌહાણને ફરી વખત બીજા ચરણનું કેન્સર આવ્યું છે અને જેની સામેની લડાઈ પણ તેઓ ખૂબ હિંમતથી લડી રહ્યા છે. જલ્દીથી તેઓ આ બીમારીને માત આપી મનોરંજન ક્ષેત્રે કંઈક નવું આપે તેવી પ્રાથના લોકો કરી રહ્યા છે.