અમદાવાદઃ વધેર વોચની બેઠક પ્રમાણે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહ સુધી પડે તેવી સંપૂર્ણ શક્યતા હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે. આગાહીને પગલે NDRFની ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવી ગઈ છે. આગામી 15 ઓગસ્ટ સુધી માછીમારોને દરીયો ખેડવા પર પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો છે.
રાહત કમિશ્નર અને અધિક સચિવ હર્ષદ આર.પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મંગળવારના રોજ બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી. હવામાન વિભાગે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહમાં પણ પડે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત આગામી તા. 16 અને 17 ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી.જે.વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને સાથે વેધર વોચની મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે 6થી બપોરના 2 સુધી 94 તાલુકાઓમાં 1 મીમીથી લઇ 89 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 89 મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.11/08/2020 અંતિત 481.39 મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 57.93 ટકા છે.
IMDના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં લો-પ્રેશર બની રહ્યુ છે. ઉ૫રાંત એક સાયકલોનીક સકર્યુલેશન પાકિસ્તાન-કચ્છ-રાજસ્થાન વિસ્તાર ૫ર હોઇ આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉ૫રાત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ આગામી સપ્તાહમાં ૫ણ લંબાવવાની પૂર્ણ શકયતા છે. તા. 16 અને 17 ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે.
કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે તા.10/08/2020 સુધીમાં અંદાજીત 78.02 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 71.34 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 91.90 ટકા વાવેતર થયું છે.
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી 119.47 મીટર છે. તેમજ 1,71,006 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 51.19 ટકા છે. તેમજ 7,522 કયુસેક પાણીની આવક થઈ છે. રાજયનાં 205 જળાશયોમાં કુલ સંગ્રહ 55.75 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-69 જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-11 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 8 જળાશય છે. ફીશરીઝ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, આજથી તા.15 ઓગસ્ટ સુધી માછીમારોને દરીયો ખેડવા ૫ર પ્રતિબંધ છે.
આગામી સપ્તાહમાં તા. 15 ઓગસ્ટથી 17 ઓગસ્ટની આસપાસ ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.