ACB પાસેથી મળેલી વિગતો મુજબ પશુપાલન વિભાગમાં ગૌચર સુધારણા, ગૌશાળા તેમજ પાંજરાપોળને અદ્યતન બનાવવાની ત્રણ અલગ-અલગ યોજનાઓ માટે એન.જી.ઓ. દ્વારા સંખ્યાબંધ અરજીઓ આવી હતી. જેમાં પશુપાલન વિભાગના મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા ડૉ. એસ.ડી. પટેલે 125 જેટલી અરજીઓ કરનાર અરજદારોને 10.15 કરોડ રૂપિયા ચેક દ્વારા ફાળવી દીધા હતા.
ડૉ.એસ.ડી. પટેલ પાસે કોઈપણ અરજદારોને મંજૂરી આપવાની કે રૂપિયા ફાળવવાની સત્તા નથી, છતાં તેમને ત્રણ યોજનાઓમાં કુલ 125 અરજીઓ માટે બોર્ડ, બોર્ડના ચેરમેન કે સભ્ય કે સરકારની કોઈપણ મંજૂરી લીધા વગર તેમજ કોઇપણ નાણાંકીય સત્તા ન હોવા છતાં પણ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને 10.15 કરોડ રૂપિયાના ચેક ઇસ્યુ કરી દીધા હતા. તારીખ 15મે થી 29 મે સુધીમાં 87 અરજીઓ માટે સહાય ચૂકવવા માટે કુલ 8.63 લાખ રૂપિયા ઇસ્યુ કર્યા હતા, જ્યારે આંતરમાળખાકીય સુવિધાઓ માટે 60 લાખના ચેક ઇસ્યુ કર્યા તેમજ ગૌશાળા અને પાંજરાપોળ અને અદ્યતન બનાવવા માટે 92 લાખ રૂપિયાના ચેક ઇસ્યુ કર્યા હતા.
સરકાર તેમજ પશુપાલન નિયામકને આ વાત ધ્યાને આવતા તેમને તરત જ ACBમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. ACBએ આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. કોઈપણ પ્રકારની સત્તા નહીં હોવા છતાં 125 લોકોને 10.15 કરોડની લહાણી કરનાર એસ. ડી. પટેલ સહિત તેમની સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવશે. એસ.ડી.પટેલની ધરપકડ પણ કરવામાં આવશે અને આ મામલે અન્ય કોઈ અધિકારોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.