અમદાવાદ : શેરબજાર દરરોજ નવી ઐતિહાસિક હાઈ બતાવી રહ્યું છે. એફઆઈઆઈની નવી લેવાલીની સાથે તેજીવાળા ઓપરેટરોએ નવું બાઈંગ શરૂ કરતાં શેરોના ભાવ સતત વધી રહ્યા છે. પરિણામે સેન્સેક્સ અ નિફટી ઓલ ટાઈમ હાઈના નવા લેવલ દર્શાવી રહ્યા છે.
ચોમાસાની પ્રગતિ સારી : દેશમાં ચોમાસાનો સમયસર પ્રારંભ થયો છે અને અત્યાર સુધીમાં ચોમાસાની પ્રગતિ સારી રહી હોવાના રીપોર્ટ પાછળ શેરબજારનો ટ્રેન્ડ તેજીનો રહ્યો છે. બીજી તરફ એફઆઈઆઈની નવી ખરીદી ચાલુ રહેતાં સેન્ટિમેન્ટ પોઝિટિવ જ રહ્યું હતું. તેની સાથે બ્લૂચિપ શેરોમાં તેજીવાળા ઓપરેટરોએ નવી ખરીદી ચાલુ રાખી હતી. કંપનીઓના વર્કિંગ પણ પ્રોત્સાહક આવી રહ્યા છે. આમ શેરબજારમાં હાલ ચારેયબાજુથી પોઝિટિવ કારણો આવી રહ્યા છે.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ : બીએસઈ સેન્સેક્સ ગઈકાલના બંધ 66,795.14ની સામે આજે સવારે 66,905.01ના ઊંચા મથાળે ખુલીને ત્યાર બાદ પ્રોફિટ બુકિંગ આવતાં ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટીને 66,703.61 થઈ અને ત્યાંથી નવી લેવાલી નીકળતાં 67,171.38ની નવી હાઈ બતાવીને ટ્રેડિંગ સેશનને અંતે 67,097.44 બંધ થયો હતો. જે 302.30(0.45 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ : ગઈકાલના બંધ 19,749.25ની સામે આજે સવારે નિફટી ઈન્ડેક્સ 19,802.95 ખુલીને શરૂમાં ઘટી 19,727.45 થઈ અને ત્યાંથી ઝડપી બાઉન્સ થઈ 19,851.70ની નવી હાઈ બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 19,833.15 બંધ થયો હતો. જે 83.90(0.42 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
સૌથી વધુ ઊંચકાયેલા શેરો : આમાં એનટીપીસી(2.78 ટકા), બજાજ ફાઈનાન્સ(2.22 ટકા), ઈન્ડુસઈન્ડ બેંક(2.11 ટકા), અલ્ટ્રાટેક સિમેન્ટ(1.87 ટકા) અને બજાજ ફિનસર્વ(1.59 ટકા)નો સમાવેશ થાય છે.
સૌથી વધુ ગગડેલા શેરો : હિન્દાલકો(1.19 ટકા), ટીસીએસ(0.77 ટકા), બજાજ ઓટો(0.76 ટકા), હીરો મોટો(0.63 ટકા) અને મારૂતિ સુઝુકી(0.60 ટકા)નો સમાવેશ થાય છે.
સૌથી વધુ એક્ટિવ : આજે એડવાન્સ ડેક્લાઈન રશિયો પોઝિટિવ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં આજે 1207 શેરના ભાવ વધ્યા હતા અને 824 શેરના ભાવ ઘટ્યા હતાં. આજે સૌથી વધુ એક્ટિવ રહ્યા હોય તેવા શેરોમાં રીલાયન્સ, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ અને આઈસીઆઈસીઆઈ બેંક હતાં.