અમદાવાદ: સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા માર્કેટિંગ ઈન્ટેલિજન્સ તેમજ સિસ્ટમ બેઝ એનાલિસિસના આધારે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તેના ભાગરૂપે જીએસટી વિભાગને ધ્યાને આવ્યું હતું કે કોમ્પ્યુટર કોચિંગ ક્લાસીસના સંચાલકો દ્વારા જીએસટી કમ્પલાયન્સ યોગ્ય રીતે કરવામાં આવતું નથી. જેના આધારે અમદાવાદ, સુરત વડોદરા અને રાજકોટ એમ ચાર જિલ્લાઓમાં અલગ અલગ જગ્યા ઉપર પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં મોટી માત્રામાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે.
પ્રેસ વિજ્ઞપ્તી આપેલી માહિતી અનુસાર: સ્ટ્રેટ જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તી અનુસાર ચાર જિલ્લામાં કરવામાં આવેલી તપાસમાં મોટી ગેરરીતિ સામે આવી હતી. કોમ્પ્યુટર કોચિંગ ક્લાસીસના સંચાલકો દ્વારા આ સેક્ટરમાં અપાતી સર્વિસ મુજબ વેરો ભરવામાં આવતો ન હોય, તેથી જીએસટી વિભાગ દ્વારા કોમ્પ્યુટર મલ્ટીમીડિયા એનિમેશન તેમજ અન્ય વિવિધ કોમ્પ્યુટર કોર્સીસના કોચિંગની સેવાઓ પૂરી પાડતાં કુલ 15 પ્રાઇવેટ ક્લાસીસોના કુલ 31 સ્થળો ખાતે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી.
તપાસમાં આવ્યું સામે: જે તપાસમાં અમદાવાદના 4, સુરતના 24, વડોદરાના એક અને રાજકોટના 2 એમ કુલ 31 જગ્યાઓ પર દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે તપાસની કાર્યવાહીમાં આ પેઢીઓ દ્વારા ક્લાઉડ બેઝ CRP સોફ્ટવેરમાં હિસાબો રાખવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. આ તપાસમાં સામે આવ્યું કે કોચિંગ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થી તથા બેચની સંખ્યા તથા ફી ની રકમ છુપાવવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી ફી રોકડથી વસૂલ કરી તેના ઉપર ભરવા પાત્ર વેરો ભરવામાં આવતો ન હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. જીએસટી વિભાગની તપાસ દરમિયાન અંદાજિત રૂ.20 કરોડના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે. આ પેઢીઓના હિસાબી સાહિત્ય, બેંક સ્ટેટમેન્ટ, લોકર વગેરેની સાધન સામગ્રીની તપાસ પણ જીએસટી વિભાગે શરૂ કરી છે.