અમદાવાદ: રાજ્યમાં ડ્રગ્સને હેરાફેરીમાં થતા બાળકોના ઉપયોગ અંગે ગુજરાત હાઇકોર્ટે જે સુઓમોટો લીધેલી છે તેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આજની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. એસઓજી દ્વારા બે સોગંદનામાં રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં જે રીતે ડ્રગનું પ્રમાણ તેમજ ડ્રગ્સની હેરાફેરી માટે નાની વયના બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે તે બાબતે લઈને હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.
કુલ 1873 કેસ નોંધવામાં આવ્યા: જોકે આજે જે સોગંદનામુ રજૂ કરવામાં આવી હતું તેમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2020 થી લઈને વર્ષ 2022 સુધીના ડ્રગ્સના એક્ટ એટલે કે એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 1873 કેસ નોંધવામાં આવ્યા છે. કુલ 251 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ અંતર્ગત કુલ પાંચ જેટલા જુવેનાઇલ આરોપી હોવાનો પણ રાજ્ય સરકારે રિપોર્ટમાં જણાવ્યું છે.
હાઇકોર્ટની ટકોર: બાળકોની ટ્રકની તસ્કરીમાં કુલ 18 કેસમાં 20 જેટલા બાળકોનો ઉપયોગ થયા હોવાની માહિતી હાઇકોર્ટને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. બાળકોની તસ્કરી માટે થઈને જે બે મહિલાઓ બાળકોનો ઉપયોગ કરતી હતી તેમની પણ ધરપકડ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેવી માહિતી પણ હાઇકોર્ટને આપવામાં આવી હતી. આ સાથે જ જે આજકાલ ઈ-સિગરેટનું ચલણ વધી રહ્યું છે તે બાબતે પણ હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. તેની કાર્યવાહીમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે શાળા કોલેજો અને તેની આજુબાજુ જ્યાં પણ ઈ-સિગરેટનું વેચાણ થઈ રહ્યું હોય તપાસ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. નશીલા પદાર્થોનું વેચાણ ઓછું થાય તે માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
પુનર્વસન માટે પણ કામગીરી: શાળા કોલેજની આસપાસમાં તમાકુ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ માટેની ડ્રાઇવમાં કુલ 2609 જેટલા ગુનાઓ નોંધાયા છે અને આવા કેસોમાં 3,92,000 ની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે. જે બાળકોનો ડ્રગ્સની તસ્કરી માટે ઉપયોગ થયો હતો તેમના પુનર્વસન માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે અને યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
કડક કાર્યવાહી કરવાના આદેશ: રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું સમગ્ર વિગતવાર અહેવાલ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ સોગંદનામાં અંગે હાઇકોર્ટે સંતોષતો વ્યક્ત કર્યો હતો પરંતુ તેમ છતાં પણ હજુ વધારે કડક કાર્યવાહી કરવાના આદેશ સરકારે આપ્યા છે. આ મુદ્દે વધુ સુનવણી 16 જુનના રોજ હાથ ધરવામાં આવશે.