અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની 146મી ઐતિહાસિક રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભગવાન જગન્નાથજીના દર્શન કરીને પદગ્રહણ કર્યું હતું. તેમની સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થ પટેલ સહિત વરિષ્ઠ આગેવાનોએ ભગવાન જગન્નાથજીનાં દર્શન કરી ગુજરાતના નાગરિકોની સુખાકારી સાથે ગુજરાતની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. અને ત્યારબાદ પરંપરાગત રીતે રથની પૂજાની વિધી નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વરિષ્ઠ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
શક્તિસિંહ ગોહિલે જગન્નાથના આશિર્વાદ લિધા : ભગવાન જગન્નાથજીનાં દર્શન અને પવિત્ર રથની પૂજા બાદ રાજ્યના નાગરિકો અને શહેરવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, આજે જવાબદારી મળી છે. ભગવાન જગન્નાથજીના આર્શિવાદ મળે તેના માટે દર્શન કર્યા છે. માત્ર સત્તા માટે નહીં પણ પ્રજા માટે કામ કરવાનો મોકો મળે તેવા આશીર્વાદ પણ માંગ્યા. આ સેવાના યજ્ઞ કામ કરવા પ્રજા મદદ કરે. રાજ્યમાં નાગરિકોને સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રભુને શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે.
શક્તિસિંહનું નિવેદન : શક્તિસિંહે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે ઘણાં જિલ્લાઓમાં મોટેપાયે જાનમાલને નુકસાન થયું છે. ભાજપ સરકારએ ખેડૂત, માછીમારો, નાના દુકાનદારો સહિત નાગરિકોને થયેલા નુકસાન માટે આર્થિક વળતર જાહેર કરી સહાયતા કરવી જોઈએ. રાજ્યમાં નાગરિકો મોંઘવારી, બેરોજગારી સહિતના મુશ્કેલી-હાલાકીઓ ભોગવી રહ્યાં છે ત્યારે ભાજપનો પન્ના પ્રમુખ પણ વિચાર કરે અને તેને પણ કોંગ્રેસમાં જોડાવવું હોય તો આવી શકે છે.
ગાંધીઆશ્રમની મુલાકાત લીધી : 18 જૂનને રવિવારે શક્તિસિંહ ગોહિલે સવારે સાબરમતીના ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી, ત્યાં તેમણે ગાંધી બાપુને નમન કરીને કોંગ્રેસના રાજીવ ભવન(જીપીસીસી) સુધી પદ યાત્રા કરી હતી. તે સમય કોંગ્રેસના લાખો કાર્યકરો ઉમટ્યા હતા. શક્તિસિંહને સાથ આપ્યો હતો. જો કે તે દિવસે અમાસ હોવાથી તેમણે પ્રમુખ પદની ખુરશી પર પદગ્રહણ કર્યું ન હતું. આજે અષાઢ સુદ એકમના શુભ દિવસે પદગ્રહણ કર્યું છે.