સાણંદ: ખેડૂતો બજારોમાં તેમનો માલ વેચી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવતા રાજ્યની એ.પી.એમ.સી.ઓને અમૂક શરતોને આધિન પોતાનું કામકાજ ચાલુ કર્યું છે, તે અંતર્ગત શુક્રવારે સાણંદની એ.પી.એમ.સી. પુનઃ શરૂ થઇ છે.
શુક્રવારે પ્રથમ દિવસેજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને કામ કરવામાં આવ્યું હતું. પહેલા દિવસે જ મણ ઘઉંના 435 સુધીનો ભાવ બોલાયો હતો. પોતાના ઘઉંના સારા ભાવ આવતા ખેડૂતોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
સાણંદના પ્રાંત અધિકારી જે.જે. પટેલે આ અંગેની જણાવ્યું કે, એ.પી.એમ.સી. દ્વારા સાણંદ તાલુકાના પાંચ ગામની સહકારી મંડળીઓને 20-20 પાસ આપવામાં આવ્યા હતા. આ પાંચ ગામની સહકારી મંડળી તેમના 20 જેટલા ખેડૂતોને એ.પી.એમ.સી.માં પ્રવેશ માટેના પાસ ઇસ્યુ કરે.
આમ, દરરોજ 100 જેટલા ખેડૂતો ટ્રેક્ટર દ્વારા તેમના ઘઉં લઇને આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ 100 ખેડૂતો અને તેમના ટ્રેક્ટરનો ચાલક આ બંનેને જ માર્કેટમાં આવવાની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાય કોઇને પ્રવેશ આપવામાં આવશે નહીં. જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય.
સવારે 9 વાગ્યે વેપારીઓ આવે એટલે તેમને નિર્ધારિત કરાયેલા કૂંડાળા કરેલી જગ્યામાં ઉભા રહે છે. ત્યાર બાદ એ.પી.એમ.સી.ના કર્મચારી તબળકા મારફત દરેક વેપારીના હાથમાં ખેડૂતના ઘઉંનો વારાફરથી નમૂનો આપે છે. ઘઉંનો આ નમૂનો જોઇને તેઓ હાથની આંગળી ઉંચી કરીને તેના ભાવ બોલે છે અને જે વેપારીના ભાવ સૌથી વધુ હોય તેને ઘઉં ખરીદ્યા છે તેમ માની તે ભાવ મુજબ ઘઉં ખરીદવામાં આવે છે.
આજે યોજાયેલી હરાજીમાં રૂા. ૩૨૦ થી હરાજી શરૂ કરાઇ હતી અને મહત્તમ રૂા.૪૩૫ના ભાવે ખેડૂતોના ઘઉં વેચાયા હતા. જે ખેડૂતના ઘઉં વેપારી દ્વારા ખરીદવામાં આવ્યા છે તેને એ.પી.એમ.સી. ના કર્મચારી દ્વારા એક ચિઠ્ઠી આપવામાં આવે છે, એક ચિઠ્ઠી વેપારીને આપવામાં આવે છે અને એક ચિઠ્ઠી એ.પી.એમ.સી. રાખે છે. આ રીતે ત્રણ ચિઠ્ઠીઓ દ્વારા સમગ્ર હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. ખેડૂત આ ચિઠ્ઠીને આધારે તેનો માલ સીધોજ વેપારીના ગોડાઉન ખાતે ઉતારી આવે છે અને તેના માલના વજનને આધારે વેપારી તેનું પેમેન્ટ કરે છે.
સુદ્રઢ વ્યવસ્થાને પરિણામે આજે સવારે 8 વાગ્યે શરૂ થયેલ આ હરાજી 10:30 સુધીમાં પૂર્ણ થઇ ગઇ હતી. આમ, ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણયને પગલે સાણંદ અને તેની આસપાસના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. તો બજારમાં ઘઉંની આવક થતા સામાન્ય નાગરિકોને નવા ઘઉં મળવાના શરૂ થશે.