- દશેરામાં વાહનોનું ધૂમ વેચાણ
- કોરોનાકાળમાં પણ દશેરાના દિવસે કરોડોના વાહનો વેચાયાં
- 4 વ્હીલર વાહનોનું વેચાણ વધ્યું
અમદાવાદઃ દશેરાના દિવસે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે, ત્યારે દશેરાના દિવસે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનોની ખરીદી કરે છે. હાલ કોરોનાકાળમાં વેપાર ધંધામાં મંદી હોવા છતાં આ વર્ષે દશેરામાં વાહનોનું ધૂમ વેચાણ થયું છે.
દરવર્ષ કરતા 15 ટકા વધારે 4 વ્હીલર વાહનો વેચાયાં
આ દશેરામાં દર વર્ષ કરતાં 15 ટકા જેટલી વધુ કારનું વેચાણ થયું છે. પાલડી પાસેના એક કાર શો રૂમના મેનેજરે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે દર વર્ષ કરતાં વધારે કારનું વેચાણ થયું છે. દર વર્ષ કરતા વધુ લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે.
રાજ્યભરમાં ઑટોમોબાઇલ ક્ષેત્રે સારો વેપાર
ઑટોમોબાઇલ ક્ષેત્રે જોડાયેલા વેપારીઓનું માનવું છે કે, કોરોના અને લોકડાઉન બાદ ઓટોમોબાઇલ ક્ષેત્રે મંદીનો માહોલ હતો, પરંતુ આ દશેરામાં મોટા પ્રમાણમાં વાહનોનું વેચાણ થતા તેમને આશા જાગી છે કે ઑટોમોબાઇલ ક્ષેત્ર પરના મંદીના વાદળો ટૂંક સમયમાં દૂર થશે.