રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા હાઈકોર્ટમાં રજુ કરવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે નાગરીકોને ઓનલાઈન RTIની સુવિધા મળી રહે તેના માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી ઓછું ક્વોટેશન આપતી મિસ હેવલેટ પાર્કયાર્ડ એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડને ટેન્ડર આપવામાં આવ્યું હતું અને અગામી એક વર્ષમાં એટલે કે 2020 સુધીમાં ઓન-લાઈન RTIની કામગીરી પૂર્ણ થઈ જશે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારના વિવિધ ખાતાઓમાં જે રીતે ઓન-લાઈન RTI કરી શકાય છે તેમ આગામી એક વર્ષમાં ગુજરાત સરકારના સચિવાલય, કોર્પોરેશન, શૈક્ષણિક સંસ્થાઓ, જીલ્લા પંચાયતની ઓફિસ, ગ્રામ પંચાયત સહિતના વિભાગોને પ્રથમ તબક્કામાં ઓનલાઈન RTI સુવિધાથી જોડાશે. રાજ્યમાં ઓનલાઈન RTIના વિલંબથી લોકોના મૂળભૂત અધિકારીઓનું ઉલ્લઘંન થયું ન હોવાનું સોંગદનામાં જણાવવામાં આવ્યું હતું.
અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે જો ઓનલાઈન RTI સુવિધા પૂરી પાડવામાં આવે તો ધર બેઠા કામ થઈ શકે. સંબંધિત વિભાગના કર્મચારીઓ અને લોકોનો સમય વ્યર્થ ન થાય અને લોકો પોતાની RTIનું સ્ટેટ્સ પણ ટ્રેક કરી શકે. એટલું જ નહિં ઘરે બેઠા જ અપિલ સહિતના કાર્યો કરી શકે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2013માં જ ઓનલાઈન RTI સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી.