અમદાવાદના: સરખેજ ફતેવાડી વિસ્તારમાં આવેલ તાજપીરના ટેકરા પાસે પૈસાની લેતી દેતીમાં રિક્ષાને સળગાવી નાખવાનો પ્રયાસ કરી ફાયરિંગ કરવા મામલે સાત આરોપીઓને સરખેજ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીની તપાસમાં એક બે નહીં પરંતુ 14 કરોડ રૂપિયાની લેતી દેતીમાં આ ગુનાનો અંજામ અપાયો હોવાનો ખુલાસો થયો છે.
આરોપીઓની ધરપકડ: સરખેજ પોલીસે આ ગુનામાં જાવેદખાન ઉર્ફે ઠાકરે પઠાણ, મહમંદ સુફિયાન ઉર્ફે અરકાન શેખ, સાહિલ સૈયદ, આશિષ પટેલ, શોએબ શેખ, સમિરખાન ચૌહાણ અને લાલુસિંઘ રઘુવંશી નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ તારીખ 25મી જાન્યુઆરીએ વહેલી સવારે ફરિયાદી સરફરાજખાન પઠાણની રીક્ષા પર જ્વલનશીલ પદાર્થ છાટી સળગાવવાનો પ્રયાસ કરી બાદમાં દેશી રિવોલ્વરથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે ઘટનામાં CCTV પણ સામે આવ્યા હતા.
કૃત્ય કર્યું હોવાની કબૂલાત: સમગ્ર મામલે ફરિયાદી સરફરાજ ખાન પઠાણનો દીકરો સલમાન અને આરોપી મુદ્દસરખાન પઠાણ છેલ્લા એક વર્ષથી USDT એટલે કે બીટકોઈન સાથે સંકળાયેલો ધંધો કરતા હતા. જેમાં મુદ્દસર ખાન પઠાણને સલમાન પાસેથી અંદાજે 14 કરોડ રૂપિયાની લેવાના નીકળતા હતા. તે બાબતે સલમાન અને આરોપી વચ્ચે છેલ્લા 8 મહિનાથી તકરાર ચાલી રહી હતી. આરોપીએ સલમાનના ઘર પર હુમલો કરી તેને બોધપાઠ ભણાવવા માટે પોતાના મિત્રો સાથે મળીને આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી છે.
આ પણ વાંચો Ahmedabad Crime : બે જૂથનો ઝગડો અટકાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, 28 આરોપીની ધરપકડ
રિવોલ્વર કબ્જે: સરખેજ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા અલગ અલગ વિસ્તારમાંથી કુલ 7 આરોપીઓને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ રિવોલ્વર પણ કબ્જે કરી છે. પકડાયેલ સાત આરોપીઓ પૈકી ચાર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ ગુનામાં હથિયાર સાથે ઝડપેલાં જાવેદ ખાન પઠાણને કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં નામદાર કોર્ટમાં જજ એમ.એસ.અમલાણી દ્વારા આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જોકે આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી મુદસ્સરખાન પઠાણ સહિત ચાર આરોપીઓ વોન્ટેડ છે. જેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો Ahmedabad Crime News : વિઝા રેકેટનો પર્દાફાશ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી
અલગ અલગ ટીમો: આ અંગે એમ ડિવિઝનના એસીપી એસ.ડી પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સરખેજ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગુનામાં વપરાયેલા હથિયાર સાથે એક આરોપી અને તેની સાથે ગુનામાં સામેલ 6 આરોપીઓ એમ કુલ સાતની ધરપકડ કરી છે અને આરોપીઓની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.