અમદાવાદ : પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા રોપ વે બનાવવાની કાર્યવાહીનો માર્ગ મોકળો બન્યો છે. રોપ વેની કામગીરી મામલે રોક લગાવવાની માંગ સાથેની જે અરજી થઈ હતી તે અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટે અરજદારની તમામ માંગણીઓ ફગાવીને આ અરજીનો નિકાલ કર્યો છે.
રોપ વે બનાવવાનો માર્ગ મોકળો : ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાના રોપ વે વિવાદમાં હવે ચોટીલા ઉપર રોપ વે બનાવવાનો માર્ગ મોકળો થયો છે. હાઇકોર્ટે રોપવે બનાવવાની કામગીરીને લીલીઝડી આપી દીધી છે. ગુજરાત હાઇકોર્ટમાં રોપ વે બનાવવાની કાર્યવાહી મામલે રોક લગાવવાની માંગ સાથેની અરજી કરવામાં આવી હતી જે અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ પ્રોજેક્ટ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી જેમાં કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો અને આજે ચૂકાદાની સાથે નિકાલ કર્યો છે.
તમામ માંગણીઓ ફગાવી : ચોટીલા ડુંગર ઉપર તૈયાર થઈ રહેલા રોપ વે પ્રોજેક્ટને લઈને અરજદારે અનેક વાંધાઓ ઉઠાવ્યા હતા. તેમજ એ વાંધાઓને ગણીને આ કામગીરી જેને આપવામાં આવી છે તે કોન્ટ્રાક્ટ યોગ્ય નથી એવી રજૂઆત કરવામાં આવી હતી. જોકે હવે હાઇકોર્ટે અરજદારની તમામ માંગણીઓ ફગાવી દીધી છે. અને આ માંગને ફગાવતાની સાથે જ રોપવે પ્રોજેક્ટનો માર્ગ મોકળો બન્યો છે.
શું હતો સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો ચોટીલા ચામુંડા માતા મંદિર ઉપર રોપ વે બનાવવા મુદ્દે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે રોપ વે બનાવવાનો કોન્ટ્રાક્ટ કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના આપી દેતા ચામુંડા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટ યોગ્ય ટેન્ડર બહાર પાડીને જે રીતે અપાતો હોય એવી રીતે આપવામાં આવે એવી માંગ કરી હતી. ચામુડાં માતા મંદિર ટ્રસ્ટની આ માગણી સ્વીકારવામાં આવી ન હતી. તે કારણે રોપ વેનો સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. હાઇકોર્ટમાં આની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજદારે શી દલીલ કરી હતી : રોપ વે બનાવવા માટે થઈને અરજદારે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે અમને રોપ વે બનાવવા પાછળ કોઈ જ વિરોધ નથી. પરંતુ આ રોપ વે કામ માટેનો કોન્ટ્રાક્ટ કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા કર્યાં વિના જે તે વ્યક્તિને આપી શકાય નહીં. તેથી ટેન્ડર પ્રક્રિયા કરીને યોગ્ય વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવે. આ સાથે જ જેને રોપ વેનું કામ સોંપવામાં આવ્યું છે તેને આ પ્રકારનું કોઈ પણ અનુભવ ન હોવાની પણ રજૂઆત અરજદાર દ્વારા કરવામાં આવી હતી. જો યોગ્ય વ્યક્તિને કામ સોંપવામાં નહીં આવે તો મોરબી બ્રિજ જેવી પણ દુર્ઘટના બની શકે છે એવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે હવે હાઇકોર્ટે તમામ માંગણીઓ ફગાવતા હવે રોપ વેનું કામ આગળ વધે એવી શક્યતાઓ છે.