અમદાવાદમાં ચોરી અને લૂંટના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં જ આવી એક ઘટના બની હતી. શહેરના કાલુપુર વિસ્તાર પાસે રતિલાલની ચાલી પાસેથી વેપારી પોતાની સાથે એક પાર્ટીનું પેમેન્ટ રૂ 1,53,000 લઈને મેમકો પોતાની ઓફિસ તરફ જવા માટે તે રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં વેપારી સિવાય અન્ય 2 મહિલા પણ બેઠી હતી તેઓએ આ વેપારીના ખિસ્સામાંથી રૂ1,53,000 તેની નજર ચૂકવીને કાઢી લીધા હતા.
મેમકો બ્રિજ પહેલા અમદુપુરા પાસે રીક્ષાચાલકે રીક્ષા ઉભી રાખીને વેપારીને કહ્યું કે, આગળ પોલીસનું ચેકિંગ છે. અહીં ઉતરી જાવ એમ કહી વેપારીને રીક્ષામાંથી ઉતારી દીધો અને જ્યારે વેપારી ભાડું આપવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના રૂપીયા ગાયબ છે.
ત્યાં જ રીક્ષાચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ રીતે રિક્ષા ચાલકની ટોળકી વેપારીના રૂપિયા પડાવીને ફરાર થઈ ગઈ હતી. વેપારીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવ અંગે વેપારીની પૂછપરછ કરી અને ઘટના સ્થળની આજુબાજુના CCTV ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.