અમદાવાદઃ જિલ્લામાં રેલવે દ્વારા 1 જૂનથી જે 200 ટ્રેન ચલાવવામાં આવશે. તેની ટિકિટ માટે રેલવેના નક્કી કરેલા રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ મળતી હતી, પરંતુ વર્તમાન સમયમાં રિફંડ અંગે રેલવે દ્વારા મનાઈ કરવામાં આવી હતી. હવે રેલવે રિફંડ ચૂકવવા તૈયાર થઈ ગયું છે.
મંડળ રેલ પ્રબંધક દીપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે, તાજેતરમાં અમદાવાદ મંડળ પર અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશનો પર મુસાફરોના આરક્ષણ કેન્દ્રોથી આરક્ષિત ટિકિટનું બુકિંગ શરૂ કરાયું છે.
આ અનુસાર જે યાત્રીઓએ 22 માર્ચ, 2020થી 30 જૂન, 2020 સુધી કાઉન્ટર પરથી આરક્ષિત ટિકિટ લીધી હોય તેવા મુસાફરો રિઝર્વેશન કાઉન્ટર પરથી કામના દિવસો દરમિયાન પોતાની ટિકિટ રદ કરીને સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે. આ કાઉન્ટરો પર કામના કલાકો સામાન્ય દિવસે સવારે 08.00થી સાંજના 17.00 સુધી અને રવિવારે સવારે 08.00થી બપોરે 14.00 સુધી રહેશે.
નોંધનીય છે કે, જે મુસાફરોએ 22 માર્ચથી 30 જૂન, 2020ના સમયગાળા માટે ટિકિટ બુક કરાવી છે, તેઓ તેમની મુસાફરીની તારીખથી 180 દિવસ સુધીના નિયમો અનુસાર રિફંડ મેળવી શકે છે. જેમાં રેલવે પ્રશાસન દ્વારા સંપૂર્ણ રિફંડ ચૂકવવામાં આવશે.
અમદાવાદ મંડળ રેલ પ્રબંધક દીપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે, હાલમાં આ સુવિધા ફક્ત સાત સ્ટેશનો પર શરૂ કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં મંડળના તમામ P.R.S અને U.T.S કમ P.R.S કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. યાત્રીઓને સલાહ આપવામાં આવે છે કે, ટિકિટ રિફંડમાં ઉતાવળ ન કરવી અને ભીડથી બચવું અને સામાજિક અંતર અને હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવું.