આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વર્ષ 2017 રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેમના બે ધારાસભ્ય રાવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે નિયમ વિરુદ્ધ જઈને પાર્ટીના પોલિંગ એજન્ટ સિવાય અન્ય લોકોને મતપત્રક બતાવ્યા હતા અને ત્યારબાદ ભારે ધાંધલ-ધમાલ થઈ હતી. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરાતા બંને ધારાસભ્યોના મતને ગેરકાયદેસર ગણવામાં આવ્યાં હતાં. જેથી કોંગ્રેસના અહેમદ પટેલના 44 મત અને બળવંતસિંહના 38 મત થઈ જતા અહેમદ પટેલનો વિજય થયો હતો અને એ જીતને રદ્દ કરવા હાઇકોર્ટમાં રિટ કરાઈ હતી.
જસ્ટિસ બેલા ત્રિવેદીની કોર્ટમાં ઉલટ તપાસ પહેલા અહેમદ પટેલ વતી દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં તેમના પરના તમામ આક્ષેપો ફગાવ્યાં છે. અહેમદ પટેલે આક્ષેપ કર્યો છે કે, પક્ષપલટો કરનાર બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસના 6 ધારાસભ્યોનાં રાજીનામાં પણ આવ્યાં હતાં. જ્યારે અન્ય 8 કોંગ્રેસી ધારાસભ્યોને પક્ષ વિરુદ્ધ મતદાન કરવા પ્રલોભન પણ આપ્યું હતું.
હાઈકોર્ટે અગાઉ અહેમદ પટેલને ઉલટ તપાસ અને જુબાની માટે ગત 12મી જૂનના રોજ હાજર રહેવાનું ફરમાન કર્યું હતું. જો કે, માંદગીનું કારણ આપી અહેમદ પટેલના સ્થાને શક્તિસિંહ ગોહિલ હાજર રહેતાં બળવંતસિંહ રાજપૂતના વકીલ નિરૂપમ નાણાવટીએ બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને ટાકીને વાંધો ઉઠાવતી દલીલ કરી હતી કે, પ્રથમ ઉલટ તપાસ પ્રતિવાદીની થાય છે. જેને માન્ય રાખીને કોર્ટે અગામી 20મી જુનના રોજ અહેમદ પટેલને હાજર થવાનો આદેશ કર્યો હતો.
હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું હતું કે, અહેમદ પટેલને પ્રવાસ ન કરવો એવો કોઈ અભિપ્રાય કે સલાહ ડૉક્ટર દ્વારા આપવામાં આવી છે કે કેમ એવો કોઈ ઉલ્લેખ સોંગદનામામાં કરવામાં આવ્યો નથી. બળવંતસિંહ રાજપૂતના વકીલ નિરુપમ નાણાવટીએ બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને દલીલ કરી હતી કે, નિયમ પ્રમાણે અહેમદ પટેલને હાજર થવાનું હોય છે અને જો અન્ય કોઈ વ્યકિત હાજર રહે તો ઉલટ-તપાસ યોગ્ય રીતે થઈ શકે નહીં.
હાઈકોર્ટમાં અહેમદ પટેલના હાજર ન રહેવા મુદે તેમના વકીલ પંકજ ચાંપાનેરીએ દલીલ કરી હતી કે, તબિયત સારી ન હોવાની વાતનો ઉલ્લેખ સોંગદનામાં કરવામાં આવ્યું છે. ગત 8મી મેના રોજ અહેમદ પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની રજુઆત કરવામાં આવી હતી. જેની સામે અરજીમાં મેડિકલ ચેક-અપ માટે ગયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે બળવતસિંહ રાજપૂતના વકીલની દલીલને માન્ય રાખી અહેમદ પટેલને 20મી જુનના રોજ હાજર થવાનું ફરમાન કર્યું હતું. અરજદાર બળવંતસિંહ રાજપૂત સહિત ભાજપના તમામ સાક્ષીઓની જુબાની લીધા બાદ આજથી કોંગ્રેસીના સાક્ષીઓના જ ઉલટ તપાસ હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવશે.