અમદાવાદ : ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદે ગુજરાતને તરબોળ કર્યા બાદ હાલ હવામાન સૂકું થઈ ગયું છે, ત્યારે હવે ફરીથી હવામાન વિભાગના દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મત મુજબ 17 જૂલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. આવનારા પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે.
17 જુલાઈ એ વરસાદની ગતિમાં વધારો થશે. હાલ યુપી તરફથી એક ટ્રફ MP થઈ ગુજરાત તરફ આવી રહ્યું છે, તેના કારણે વરસાદની સંભાવનાઓ છે. પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં આજે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાઓ છે. 15 જૂલાઇના જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. પરંતુ જો નવી સિસ્ટમ ઊભી થાય તો વરસાદને ખેંચી લાવવા માટેનું સંપૂર્ણપણે સાનુકૂળ વાતાવરણ અત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છે. - ડો મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
ક્યા કેવો વરસાદ : હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવી સિસ્ટમ રાજસ્થાનથી આગળ વધીને અત્યાર સુધી ઉત્તર ગુજરાતની અસર કરતી હતી, પરંતુ હવે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોનો પણ સમાવેશ થયો છે. રાજસ્થાનના લો પ્રેસરની અસર અત્યાર સુધી ઉત્તર ગુજરાત પૂરતી મર્યાદિત હતી, તે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો સુધી લંબાઈ છે. જેથી અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યા એ હળવોથી મધ્યમ વરસાદ પડશે.
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ પ્રકારનો માહોલ આગામી ચાર દિવસ સુધી જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા ઊભી થઈ છે. તારીખ 16ના રોજ બંગાળની ખાડીમાં નોર્થ વેસ્ટ દિશામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે અને તેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત કોંકણ ગોવા અને મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા ઊભી થઈ છે.