અમદાવાદ : રાજ્ય આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ સ્થિત GCRI કેન્સર હોસ્પિટલમાં સાઇબર નાઇફ સહિતના અન્ય રેડીયોથેરાપી મશીન (Radiotherapy Machines at GCRI Cancer Hospital) પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાંથી અંદાજે 45 કરોડના ખર્ચે વિકસાવ્યું સાઇબર નાઇફ મશીન (Cyberknife Machine) કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યાધુનિક માનવામાં આવે છે. આ પ્રકારનું રોબોટિક મશીન વિકસાવનારી GCRI હોસ્પિટલ રાજ્યમાં પ્રથમ છે. કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથે સામાન્ય પ્રકારના 5 મીમી થી 3 સેમી સુધીની કદના સામાન્ય સચોટ નિદાન કરીને તેની સારવાર સાયબર નાઇફ નામના રોબોટિક મશીનથી (Robotic Machine for Treatment of Cancer Patients) કરી શકાય છે.
આવો જાણીએ સાયબર નાઇફ - રોબોટ કેવી રીતે કાર્ય કરે છે ?
કેન્સર ગ્રસ્ત દર્દી કે જેને રેડિયોથેરાપી તકનીક દ્વારા રેડિએશન આપવાની જરૂરિયાત ઉદ્ભવે છે. તેવા પ્રકારના દર્દીઓ માટે સાયબર નાઇફ –રોબોટ આશીર્વાદ રૂપ છે. કેન્સર ગ્રસ્ત દર્દી માટે જ્યારે રેડિએશનના ડોઝ નક્કી કરવામાં આવે છે. ત્યારે સામાન્ય પ્રકારના મશીનમાં કેન્સરગ્રસ્ત ભાગ સિવાયના અન્ય ભાગ પર પણ આ ડોઝની અસર થવાની સંભાવના રહેલી હોય છે. જ્યારે સાયબર નાઇફ મશીન દ્વારા કેન્સરગ્રસ્ત ભાગ પર જ લક્ષ્ય સાધીને રેડિયો થેરાપી ડોઝ આપવામાં આવે છે. જેના કારણે શરીરની અન્ય ટીસ્યુ(પેશીઓ) પર આડઅસરની સંભાવના નહિવત બને છે.
ચહેરાનું માપ લઈને સારવાર
આ સારવારને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. જેમાં પ્રથમ રેડિયોથેરાપીની જરૂરિયાત ધરાવતા દર્દીના ચહેરાના માપનું સિટી સિમ્યુલેટરની મદદથી ઓર ફીટ બનાવવા માટે દર્દીના ચહેરાનું માપ લેવામાં આવે છે. ત્યારબાદ ટ્રીટમેન્ટ પ્લાનીંગ સિસ્ટમ દ્વારા સમગ્ર સારવાર અને ઓર ફીટ તૈયાર કરીને બે દિવસના અંતરાલ બાદ દર્દીને રેડિયોથેરાપી માટે બોલાવવામાં આવે છે. દર્દીને સાયબર નાઇફ ટ્રીટમેન્ટમાં રૂમમાં મૂકવામાં આવેલા ટેબલ પર સૂવડાવીને કોમ્પ્યુટર દ્વારા નક્કી કરવામાં આવેલા ડોઝ સેટ કરીને દર્દીના ચહેરા પર ઓરફિટ પહેરાવી રોબોટિક દ્વારા સમગ્ર થેરાપીની શરૂઆત કરવામાં આવે છે. સાઇબર નાઇફની સારવાર અડધા થી પોણા કલાક સુધી ચાલે છે. જેમાં રોબોટ 360 ડિગ્રી રોટેશન કરીને કેન્સરગ્રસ્ત ભાગ પર સચોટ રીતે સારવાર કરે છે.
આ પણ વાંચોઃ વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ: કેન્સર જાણે તે જીતે ડરે તે મરે, આવો સંકલ્પ કરી દરેકને જાગૃત કરવાની મુહિમમાં જોડાઇએ
રેડિયો થેરાપી સર્જરીમાં શસ્ત્રક્રિયાની જરૂર પડતી નથી
આ સારવાર પદ્ધતિ સ્ટીરીયો ટેકટિક રેડિયો સર્જરી (Radiotherapy Surgery) તરીકે ઓળખવામાં આવે છે. સામાન્યતઃ અન્ય સર્જરીમાં કાપકૂપ કરીને સર્જરી કરવામાં આવે છે. જ્યારે રેડિયો થેરાપી સર્જરીમાં કોઈપણ પ્રકારના શસ્ત્રક્રિયાની જરૂર પડતી નથી. મગજ કે શરીરના અન્ય ભાગમાં 5 મી.મી. થી 3 સે.મી. જેટલી સાદી કે કેન્સરની ગાંઠની સારવાર કરવા ઉપયોગી છે. ઘણી વખત કેન્સરગ્રસ્ત કિડની, લીવર, ફેફસાના ભાગમાં સર્જરી શક્ય ન હોય તેવા ભાગમાં સર્જરીના વિકલ્પ રૂપ આ રોબોટિક મશીનના ઉપયોગથી રેડિયોથેરાપીની શેક આપીને સારવાર કરી શકાય છે.
વિશ્વમાં અંદાજે 250 અને ભારતમાં 8 જેટલા સાયબર નાઇફ મશીન
અગાઉ એક્સ નાઇફ પ્રકારનું મશીન આ સર્જરી માટે કાર્યરત હતું. જેમાં દર્દીને માથાના ભાગમાં ફ્રેમ ફીટ કરવામાં આવી હતી. સાઇબર નાઇફમાં ફ્રેમ લેશ પદ્ધતિ નો અભિગમ અપનાવી કોમ્પ્યુટરાઈઝ ચહેરાના માપનું ગાર્ડ બનાવીને સારવાર હાથ ધરવામાં આવે છે. GCRIમાં સારવાર અર્થે આવતા કેન્સર કુલ દર્દીઓના 70 ટકા દર્દીઓને રેડીયોથેરાપી સારવાર આપવામાં આવે છે. જેનાથી કેન્સરને મટાડી પણ શકાય અને આગળ વધતુ અટકાવી પણ શકાય. GCRIમાં વર્ષ 2021 દરમિયાન રેડિયોથેરાપીની 5356 સેશન આપવામાં આવ્યા છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં અંદાજે 250 અને ભારતમાં 8 જેટલા સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં ઉપલબ્ધ છે તેમ GCRIના તબીબો જણાવે છે.
આ પણ વાંચોઃ Benefits Of Sunlight: શિયાળાની ઋતુમાં શરીર માટે વરદાન છે તડકો, અનેક બીમારીઓનો કરે છે નાશ