અમદાવાદ: ગીર અભ્યારણમાં આવેલા સિંહો સહિતના અન્ય વન્યજીવોના રક્ષણ માટે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ જાહેરહિતની અરજીમાં વન્યજીવોનું રક્ષણ યોગ્ય રીતે ન થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં વધી રહેલા બાંધકામને કારણે પણ વન્યજીવો પ્રભાવિત થઈ રહ્યા છે એવું પણ આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.અરજદાર ડી.એમ.નાયક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે.
સિંહનું યોગ્ય રીતે રક્ષણ થતું નથી: એડવોકેટ ચિંતન આચાર્ય જણાવ્યું હતું કે ગીરના અભ્યારણના સિંહોએ આપણી ગુજરાતની ઓળખ સમાન છે. આ જ વન્યજીવો તેમજ સિંહનું યોગ્ય રીતે રક્ષણ થતું નથી તે બાબતે અમારે દ્વારા હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં કર્મશિયલ બાંધકામ ખૂબ જ થઈ રહ્યું છે. જેના કારણે સિંહ સહિતના અન્ય જીવો પણ પ્રભાવિત થઈ રહ્યા છે.
વીજળીના લીધે વન્ય પ્રાણીઓને નુકસાન: આ સાથે જ જંગલ વિસ્તારમાં નિયત કરતા વધુ પડતી વીજળીના વોલ્ટ આપવામાં ના આવે એવી પણ અમારા તરફથી રજૂઆત કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં જે પણ વીજળી પસાર થઈ રહી છે તેની લાઈનમાં નિયત કરતાં વધુ વોલ્ટેજ પસાર કરવામાં આવે તો વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચી શકે છે.
નવા કાયદા બનાવવાનો ઉલ્લેખ: વન્યજીવોના સંરક્ષણ માટે નવા કાયદા બનાવવામાં આવે એવી પણ અરજદાર દ્વારા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 1960 વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટના જે નિયમો છે તેને બદલવા જોઈએ તેવી પણ અરજીમાં માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 27 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે ત્યારે નવા સૂચનો થઈ શકે છે.
શું છે વાઇલ્ડ લાઇફ એક્ટ 1960: આ નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ પ્રાણીને પાળે અથવા તો તેનું માલિકીપણું દર્શાવે છે તેને આ નિયમો લાગુ પડે છે. પ્રાણીઓ પ્રત્યે જ્યારે કોઈ પીડા આપે છે તો તેમની સામે આ નિયમ લાગુ પડે છે જો કોઈ પ્રાણીની સંભાળ રાખનાર અથવા તો તેની પ્રાણીની કૃતા દાખવે છે તો તેની સામે પગલા લેવામાં આવશે. આ નિયમને પ્રાણી કૃત્ય નિવારણ અધિનિયમ 1960 તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગીરમાં 674 જેટલા સિંહો: અત્રે ઉલ્લેખનીય છે કે, સિંહની સંખ્યા દિવસે અને દિવસે ઘટતી જાય છે. 2020 ની મતગણતરી મુજબ કુલ ગીરમાં 674 જેટલા સિહો છે. વર્ષ 2022 માં કુલ 240 જેટલા સિંહના મૃત્યુ પામ્યા હતા. જેમાંથી 20 નર 21 માદા અને 59 સિંહ બચ્ચાનો સમાવેશ થતો હતો. 89 સિંહનું કુદરતી રીતે જ્યારે 11 સિંહો અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા.