અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક હત્યાના આરોપીનું મોત થયું હતું. ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. હાઈ સિક્યોરિટી જેલમાં આરોપીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે અંગે ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ મૃતક યુવક પાસેથી મળી આવેલ સુસાઈડ નોટથી સમગ્ર મામલાનો ભેદ ખુલ્યો હતો.
સાબરમતી જેલમાં કેદીનું મોત : અમદાવાદ સાબરમતી જેલમાં હાલ અનેક ગંભીર આરોપીઓ રહી રહ્યા છે. તે સમયે આજે હાઈ સિક્યોરિટી જેલમાં કેદ ખુશાલ મગનભાઈ જાદવે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં જણાવ્યા અનુસાર આરોપીએ પોતાની ભૂલના પ્રાયશ્ચિત માટે આ પગલું ભર્યું હતું. હાલ આ મામલે પોલીસે અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક પાસે ચિઠ્ઠી મળી : જોકે આ અંગે મૃતકના પરિવારજનોને જાણ થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. ઉપરાંત પરિવારજનોના મતે મૃતક ખુશાલની હત્યા કરવામાં આવી છે. ઉપરાંત આ કસ્ટોડીયલ ડેથનો મામલો હોવાનો આક્ષેપ પણ મૃતકના પરિવારજનોએ કર્યો છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસ હાલ તો મૃતકે આત્મહત્યા કરી હોવાનું જણાવી રહી છે.
પોલીસ તપાસ : આ બનાવ અંગે રાણીપ પોલીસ સ્ટેશનના PI ગોહિલે જણાવ્યું હતું કે, આજે સાબરમતી જેલમાં આવો એક બનાવો બન્યો છે. એની પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે ભૂલ કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે, તેમજ તેને માફ કરે તેવી પણ વાત કરવામાં આવી છે. આ તમામને હાલ સુસાઇડ નોટના આધારે તપાસ કરવામાં આવી રહી છે.