અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં સહભાગી થવા માટે દેશ-વિદેશના મહાનુભાવો ગુજરાતના આંગણે પધારી રહ્યાં છે. ત્યારે તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તા પણ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતાં. અમદાવાદ એરપોર્ટ ખાતે તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તાના સ્વાગત માટે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક, વિદેશ મંત્રાલયના ચીફ ઓફ પ્રોટોકોલ અંશુમન ગૌર, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખયની છે કે, પીએમ મોદી ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ 2024નો શુભાંરભ કરાવશે. આ સમિટમાં દેશ-વિદેશના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. તેમના સ્વાગત માટે ગાંધીનગર સજ્જ થયું ગયું છે. 'ગેટ વે ટુ ધ ફ્યૂચર'ની થીમ પર કાર્યક્રમ યોજાશે. ત્યારે આજે પીએમ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિશ્વના ટોચના અગ્રણી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે, જ્યારે બપોરે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે, વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ગુજરાત અને અમદાવાદમાં જડબેસસાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, આગામી તા. 10, 11 , 12 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનો શુભારંભ થવાનો છે. જેમાં દેશ વિદેશના ડેલીગેટ્સ, વિવિધ રાજ્યોના પ્રતિનીધીઓ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ, કેન્દ્ર તથા વિવિધ રાજ્યના મંત્રીઓ, ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહેવાના છે.