અમદાવાદ: પોલીસના ચોપડે છેતરપિંડીના કેસમાં કિરણ પટેલનું નામ હવે વધારે ઘાટું બની રહ્યું છે. અમદાવાદ સિવાય પણ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લા તથા મહાનગરમાં મોટી રકમના નામે ચૂનો ચોપડનાર કિરણ પટેલની ક્રાઈમ ડાયરીના પાના દિવસે દિવસે ખુલી રહ્યા છે. જેમાં ચોકાવનારા કિસ્સાઓ સામે આવતા પોલીસે પણ કાયદા અંતર્ગત પગલાં લેવાના શરૂ કરી દીધા છે હવે એક નવો કિસ્સો સામે આવતા ફરી લાખો રૂપિયાની ચીટીંગ કર્યાનો કેસ ફાઇલ થયો છે.
પટેલ સામે બંગલાના માલિકની ફરિયાદ: અમદાવાદ શહેરના શીલજ પાસે આવેલા વૈભવી બંગલાને રીનોવેશનના નામે લઈને તેમાં વાસ્તુ-પૂજન સહિતની વિધિ કરાવીને બંગલાની બહાર પોતાના નામની પ્લેટ લગાડી ખોટો રોફ જમાનાર કિરણ પટેલ સામે બંગલાના માલિકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. જેમાં કિરણ પટેલે ફરિયાદી પાસેથી રીનોવેશનના નામે 35 લાખ રૂપિયા લઈને બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો અને કોર્ટમાં પણ દીવાની દાવો કર્યો હતો. કિરણ પટેલે મારો બંગલો પચાવી પાડવા માટે છેતરપીંડી કરી છે અને આ મામલે મે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે-- ફરિયાદી જગદીશભાઈ ચાવડા(ટેલિફોનિક વાતચીત)
શુ હતો સમગ્ર મામલો: ફેબ્રુઆરી 2022માં કિરણ પટેલે ફરિયાદીની પત્ની ઇલાબેનને ફોન કરીને પોતે પ્રોપર્ટી લે-વેચનું કામ કરે છે. તેવું કહીને વાતચીત શરૂ કરી હતી અને જે બાદ મળવા આવી પોતે પ્રોપર્ટીનું લે-વેચનું કામ કરતો હોવાનું જણાવતા ફરિયાદીએ તેઓને પોતાનો બંગલો બતાવ્યો હતો. જેથી કિરણ પટેલે બંગલામાં રિનોવેશનનું કામ કરવામાં આવે તો તેનો ભાવ સારો મળે તેવું જણાવ્યું હતું. કિરણ પટેલે ફરિયાદીના ઘરની સામે પોતે ટી-પોસ્ટ કાફેમાં ભાગીદાર છે, પોતે મોટી રાજકીય વર્ગ ધરાવે છે. તેમજ વડાપ્રધાનની કચેરીમાં ક્લાસ 1 અધિકારી તરીકે નોકરી કરે છે. પોતાને બંગલા અને બિલ્ડીંગ રીનોવેશન કરવાનો સારો અનુભવ અને શોખ છે તેવું કહીને ફરિયાદીને ફસાવ્યા હતા.
લાખોમાં રીનોવેશનનું કામ: કિરણ પટેલે ફરિયાદી અને તેમના પત્નીને મોટી-મોટી વાતો કરીને વાતથી સહમત કરી દીધા હતા. 30 થી 35 લાખ સુધીનું રીનોવેશનનું કામ કરી આપવા માટેની ડીલ કરી હતી. જેના ત્રણ દિવસ પછી કિરણ પટેલ તેની પત્ની માલિની પટેલ તેમજ ઇન્ટિરિયર ડિઝાઇનર જુબિન પટેલ સાથે ફરિયાદીના શીલજના બંગલે ગયો હતો. મુલાકાત કરી બીજા દિવસે 8 થી 10 માણસો લાવી રીનોવેશનનું કામ શરૂ કર્યું હતું. જૂનાગઢના જગદીશ ચાવડા નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે.
તમારો બંગલો મારે જ ખરીદવો: કિરણ પટેલે ફરિયાદીના બંગલામાં રીનોવેશનનું કામ શરૂ કરતા ફરિયાદી તેઓના પરિવાર સાથે શેલા ગામ ખાતે આવેલ મિત્રના બંગલામાં શિફ્ટ થયા હતા. રીનોવેશન દરમિયાન કિરણ પટેલને છૂટક છૂટક 35 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જે દરમિયાન ફરિયાદી જગદીશ ચાવડા સામાજિક કામથી જુનાગઢ ખાતે ગયા હતા. ત્યારે કિરણ પટેલે બંગલાની બહાર દરવાજા ઉપર પોતાના નામનું બોર્ડ લગાવી બંગલામાં વાસ્તુ હવન પૂજા પાઠ કરાવ્યું હતું. જેની જાણ તેઓને થતા બીજા દિવસે તેઓ બંગલા ઉપર ગયા હતા. કિરણ પટેલને મળતા તેણે ફરિયાદીને તમારો બંગલો મારે જ ખરીદવો છે તેવુ જણાવતા ફરિયાદીએ બંગલાના રૂપિયા બાબતે વાત કરતા કિરણ પટેલે જણાવ્યું હતું.
રીનોવેશનનું કામ અધૂરું: પોતાને અદાણી ગ્રુપનું બહુ મોટું કામ ચાલુ છે. જેનું પેમેન્ટ આવે પછી બંગલો ખરીદી લઈશ. જોકે ફરિયાદીને કિરણ પટેલની વાતોમાં શંકા જતા તેણે પહેલા રીનોવેશનનું કામ પૂરું કરવા જણાવતા કિરણ પટેલ રીનોવેશનનું કામ અધૂરું મૂકીને જતો રહ્યો હતો. જે બાદ ફરિયાદી પોતાના બંગલામાં રહેવા માટે આવી ગયા હતા. જે ઘટના બાદ ઓગસ્ટ 2022માં અમદાવાદ ગ્રામ્ય ડિસ્ટ્રિક્ટ કોર્ટ મીરજાપુરમાંથી ફરિયાદીને નોટિસ મળી હતી. જેની તપાસ કરતા કિરણ પટેલે બંગલા માટે કોર્ટમાં ખોટો દાવો કર્યો હોવાનું પણ તેઓને જાણવા મળ્યું હતું.
બંગલો પચાવી પાડવાનો પ્રયાસ: પ્રધાનમંત્રી કાર્યાલયમાં ક્લાસ 1 અધિકારી હોવાની ઓળખ આપી તેમજ ટી-પોસ્ટમાં ભાગીદાર હોવાનું જણાવી તેઓના બંગલાના રેનોવેશનના નામે પૈસા લઈ બંગલામાં પોતાનું નામનો બોર્ડ લગાવી બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે તેઓએ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ તેજ કરી છે. મહત્વનું છે કે કિરણ પટેલ સામે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી NIA સહિત અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે ધરપકડ કરી: ગુજરાત એટીએસની ટીમ પણ તેની તપાસ માટે જમ્મુ કાશ્મીર પહોંચી છે. તેવામાં આગામી દિવસોમાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં કિરણ પટેલ સાથે મહેમાનગતિ માણનાર અમિત પંડ્યા અને જય સીતાપરાની હાલમાં જ જમ્મુ કાશ્મીર પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે ફરિયાદી રાજકીય વર્ગ ધરાવતા એક નેતાના ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ તો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મહા ઠગ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા માટેની તજવીજ શરૂ કરી છે.