PM મોદીએ એકતાના શપથ લેવડાવ્યાં
સરદાર પટેલને અંજલિ અર્પણ કર્યા બાદ પીએમ મોદી એકતા પરેડમાં હાજર રહ્યાં હતા. જયાં તેમણે બધાને એકતાના શપથ લેવડાવ્યાં હતાં. શપથમાં તેમણે કહ્યું કે સત્ય નિષ્ઠાથી શપથ લઉ છુ કે, હું રાષ્ટ્રની એકતા, અખંડતતા અને સુરક્ષાને બનાવી રાખવા માટે પોતાને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાના તમામ પ્રયત્ન કરીશ.
સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી ૩૧ ઓક્ટોબરે કેવડીયા ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી છે.
વડાપ્રધાન બુધવારે ૩૦ ઓક્ટોબરે રાત્રે ૮.૩૦ કલાકે નવી દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું.વડાપ્રધાનના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ ૩૧ ઓક્ટોબરે સવારે ૮.૧૫ વાગ્યે કેવડીયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ઉપસ્થિત રહેશે અને સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવશે.આ રાષ્ટ્રીય એકતા પરેડમાં રાજ્ય પોલીસ દળની પાંચ ઉપરાંત કેન્દ્રીય દળની ટુકડીઓ માર્ચ પાસ્ટ યોજશે અને એન.એસ.જી, સી.આઈ.એસ.એફ., એન.ડી.આર.એફ. તેમજ સી.આર.પી.એફ. અને ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસના સાહસ પૂર્ણ નિદર્શન યોજાવાના છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પછી ૯.૫૦ કલાકે કેવડીયામાં નવનિર્મિત ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટનું ઉદઘાટન અને મુલાકાત કરશે.ત્યારબાદ બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધી દેશના આઈ.એ.એસ. પ્રોબેશનર અધિકારીઓના કાર્યક્રમમાં જોડાશે.તેઓ આ અધિકારીઓએ પાંચ થીમ પર તૈયાર કરેલા પ્રેઝન્ટેશન નિહાળશે અને તાલીમી અધિકારીઓ સાથે વાર્તાલાપ ચર્ચામાં સહભાગી થશે. વડાપ્રધાન આ પ્રોબેશનરી અધિકારીઓ સાથે બપોરનું ભોજન લેવાના છે અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગ્રુપ ફોટો સેશનમાં પણ જોડાવાના છે. વડાપ્રધાન સાંજે ૫.૪૫ કલાકે કેવડીયાથી હવાઈ માર્ગે વડોદરા પહોંચશે અને ત્યાંથી વાયુદળના વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે.