અમદાવાદ: અરજદાર વતી ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અનિક તિમબલિયા તરફથી ચીફ જસ્ટિસ વિક્રમનાથીની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે, નવા ગીર મેનેજમેન્ટ પ્લાન હેઠળ અભ્યારણ બહાર 'ટોલરેન્સ લિમિટ' નક્કી કરવામાં આવે, જેથી પ્રાણીઓ અને માણસો એક-બીજાની સાથે રહી શકે.
'ટોલરેન્સ લિમિટ' વિશે રજૂઆત કરતા તેમણે કહ્યું કે, અભ્યારણ બહારના વિસ્તાર કે જેમાં નાના-નાના ગામડાઓનો પણ સમાવેશ થાય છે, એવા વિસ્તારોમાં માણસોમાં સિંહ સહિત અન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારો અંગે જાગૃતતા લાવવાની જરૂર છે. અત્યાર સુધી મોટાભાગની નીતિઓ વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવે છે. પરંતુ સ્થાનિક લોકોને પ્રાણીઓને લીધે રોજીંદા જીવનમાં પડતી હાલાકીની સમસ્યાઓનો સમાવેશ કરવામાં આવતો નથી.
ગીર મેનેજમેન્ટ પ્લાનમાં અત્યાર સુધી સિંહોની સંરક્ષણ નીતિ પરજ વધારે ધ્યાન આપવામાં આવ્યો છે. પરંતુ હવે વસ્તી વધતા તેના પછી શું તેના પર કોઈ ખાસ પ્લાન કે નીતિ ઘડવામાં આવી નથી. ગીર અભ્યારણ અને આસપાસના વિસ્તારોમાં સિંહોની વસ્તી વધતા તેમણે ભાવનગર, અમરેલી, બરડો-પોરબંદર સહિત અનેક જગ્યા પર પલાયન કર્યું છે. સિંહો શા માટે પલાયન કર્યું તેનો અભ્યાસ હજી બાકી છે. વાઈલ્ડ લાઈફ એડવાઇઝરી બોર્ડ કોઈ નક્કર સલાહ આપતું નથી, તેવો પણ PILમાં આક્ષેપ કરાયો છે.
આ પણ વાંચો : ગીરમાંથી મળી રહ્યાં છે સારા સમાચાર, પાછલાં 5 વર્ષમાં સિંહોની સંખ્યા 151ના વધારા સાથે 674 પર પહોંચી
મહેસાણા અને બોટાદ જિલ્લામાં આવેલા કાળિયાર અભ્યારણ બહાર પણ વગર કોઈ ભયે પ્રાણીઓ અને લુપ્ત થતી પ્રજાતિના પ્રાણીઓ સાથે જીવી રહ્યાં છે. ગુજરાતમાં સિંહ, સુરખાબ અને ઘુડખર માટે અભ્યારણો આવેલા છે. તેમનું પણ સારી રીતે સંરક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લી વસ્તી-ગણતરી પ્રમાણે ગીર અભયારણ્યમાં કુલ સિંહોની સંખ્યા 674 છે.
ગુજરાત હાઇકોર્ટની ચીફ જસ્ટિસની અધ્યક્ષતા વાળી ડિવિઝનની બેંચે આ મુદે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.