પેપ્સીકો કંપનીએ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પર પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઈટ એકટ 2001 મુજબ રજીસ્ટર્ડ થયેલા FL 2027 એટલે કે, FC-5 પ્રકારના બટાકાનું IPRનું (ઇટેલેક્ચઉલ પ્રોપર્ટી રાઈટ) ઉલ્લંઘન કરવા બદલ ખેડૂતો વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા. લેસ બટાકા વેફર બનાવવા માટે આ ખાસ પ્રકારના બટાકાનું ઉપયોગ થાય છે.
આ મામલે કર્મશીયલ કોર્ટમાં શુક્રવારે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે પેપ્સીકોના વકીલે કોર્ટની બહાર સેટલમેન્ટ કરવાની સંભાવના વ્યક્ત કરી હતી. પેપ્સીકો કંપનીના વકીલે જજ એમ.સી. ત્યાગી સમક્ષ રજૂઆત કરી કે, ખેડૂતો વિરુદ્ધ દાખલ થયેલા કેસ પાછા ખેંચી શકાય છે. જો ખેડૂતો FC-5 પ્રકારના બટાકાનું ખરીદ-વેચાણ અંગેનો કરાર પેપ્સીકો કંપની સાથે કરે. વકીલ વતી એવી પણ ભલામણ કરવામાં આવી કે, જો ખેડૂતો એવી બાહેનધરી આપે કે તેઓ FC-5 પ્રકારના જે બટાકા છે. તેનું ક્યારેય બિયારણ કે ખરીદ કરશે નહિ તો પણ તેમની વિરુદ્ધ કેસ પાછો ખેંચી શકાય છે. પેપ્સીકો કંપની માટે રાજ્યમાં આશરે 1200 જેટલા ખેડૂતો આ ખાસ પ્રકારના બટાકાનું બિયારણ અને ઉત્પાદન કરે છે.
કોર્ટની બહાર સેટલેમન્ટ કરવાની ઓફરનો સ્વીકાર કરવો કે કેમ મુદ્દે ચારેય ખેડૂતોને નિર્ણય લેવાનો રહે છે. ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે આ મામલે લેખિત એફિડેવિટ રજૂ કરવા 12મી જૂન સુધી સમયની માંગ કરી, જયારે પેપ્સીકોના વકીલે પણ રિજોઇન્ડર એફિડેવિટ રજૂ કરવા સમયની માંગ કરતા કોર્ટે માંગને ગ્રાહ્ય રાખી હતી.
અગાઉ કોર્ટે વચગાળાનો ઓર્ડર આપ્યો હતો. તેને 12મી જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. જે મુજબ ખેડૂતો પર આ ખાસ પ્રકારના બટાકા ઉગાડવા કે વેચવા પરનો સ્ટે યથાવત રહેશે.
અગાઉ પેપ્સીકો કંપનીના વકીલે કહ્યું હતું કે, આ પ્રકારના બટાકા ગેરકાયદેસર રીતે વેચતા અને ખરીદતા ખેડૂતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. પેપ્સીકો કંપનીએ કહ્યું કે, આ પ્રકારનો કરાર તેમની સાથે કામ કરતા ખેડૂતોના હિત માટે અને તેમના અધિકારોના રક્ષણ માટે લેવામાં આવ્યો છે. અમે આ મુદોનો સુખદ નિકાલ લાવવા માંગીએ છીએ જેથી સારી ગુણવત્તાવાળી વેફર્સનું ઉત્પાદન થઈ શકે.
રાજ્યભરમાંથી આશરે 1200 ખેડૂતો, સામાજિક કાર્યકર્તા અને કેટલાક NGO દ્વારા ખેડૂતોના હિતોના રક્ષણ માટે કેન્દ્ર અને રાજ્યને આ મામલે હસ્તક્ષેપ કરવાની લેખિત રજુઆત કરી હતી. લેખિત પત્રમાં રજુઆત કરવામાં આવી કે, PPV&FR એકટ 2001 મુજબ FC-5 પ્રકારના બટાકાનું ખરીદ કે વેચાણ કરવા અંગે ખેડૂતો દ્વારા IPRના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.