અમદાવાદ : શહેરમાં જીવલેણ કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે. આ જીવલેણ મહામારીનાં કારણે રાજ્યમાં અને શહેરમાં ચેપગ્રસ્તોની સંખ્યા વધી છે, ત્યારે સંક્રમણ વધે નહીં તે માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે કે બહાર નિકળો ત્યારે ફરજીયાત માસ્ક પહેરી રાખવું જરૂરી, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર વગેરે રાખવું જરૂરી છે.
આ મામલે AMCનું તંત્ર હરકતમાં આવ્યું છે. માસ્ક નહિ પહેરનારા સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આજરોજ ગુરૂવારે શહેરનાં 7 ઝોનમાં શાકભાજી વેંચતા ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 726 જેટલા ફેરિયાઓને માસ્ક ન પહેરવા અંગે કુલ 1,45,200 રૂપિયાની પેનલ્ટીની વસુલાત કરી હતી.
કોરોનાનો સામનો કરવા માટે બહાર નિકળતી વખતે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું ખુબ જરૂરી છે. વહીવટી તંત્ર અને સરકાર દ્વારા સતત આ જાહેરાત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ ઘણા લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી. જેના વિરૂદ્ધ અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં માસ્ક ડ્રાઇવ ચલાવી છે. જેમાં જાહેર સ્થળે માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને શોધીને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. તે દરમિયાન અનેક લોકો માસ્ક પહેર્યા વિના ઝડપાયા હતા.