અમદાવાદ: અમદાવાદ પોલીસે વ્યાજખોરો સામે થોડા દિવસો પહેલા જ ઝુંબેશ હાથ ધરી હતી. તેવામાં ફરી એક વાર શહેરના ટ્રાન્સપોર્ટના વેપારી વ્યાખોરોનો શિકાર બન્યા છે. વેપારીએ વ્યાજે લીધેલા કરોડો રૂપિયાની સામે તેનાથી વધુ રકમ પરત કરી દીધા બાદ પણ વ્યાજખોરોએ વેપારી પાસે તેનાથી પણ વધુ રૂપિયા માંગતા ડરીને વેપારી પોતાના વતન પંજાબ ભાગી ગયા હતા. જે બાદ વ્યાજખોરોએ તેના પરિવારને હેરાન કરતા હતા અને પરિવારનું અપહરણ કરી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. અંતે વેપારીએ પોલીસ સ્ટેશનમાં 11 વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
![વ્યાજના નામે લેમ્બોરગીની, એક કરોડની મર્સિડીઝ અને ફોર્ચ્યુનર કાર પણ પડાવી લીધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18602159_01.jpg)
ઉંચા વ્યાજે નાણાં ધિરાણ: અમદાવાદમાં નારોલ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે સંકળાયેલા કમલ ડોગરા નામના વેપારીએ કોરોના સમયમાં તેના ધંધાના કામે વ્યાજે રૂપિયા લેવાની જરુર પડી હતી. કમલભાઈએ તેના એક પરિચિત નાણાં ધિરનારનું કામ કરતા ફાલ્ગુન મહેતાને વ્યાજે રૂપિયાનું કહેતા ફાલ્ગુનભાઈએ તેનાં મિત્રો ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ સાથે પરિચય કરાવ્યો અને તમામ લોકોએ તેમના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી વેપારી કમલભાઈની અલગ અલગ કંપનીઓના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વેપારીને વ્યાજખોરોએ 7.71 કરોડથી વધુની રકમ 9 ટકા વ્યાજે આપવાનું પણ નક્કી કર્યું હતું.
વ્યાજની પઠાણી ઉઘરાણી: વેપારીને આપેલી રકમ બેંકના માધ્યમથી આપવામાં આવી હતી. જેમાં વેપારીએ સાડા સાત કરોડની સામે 11 કરોડ જેટલી રકમ બેન્કનાં માધ્યમથી પરત કરી દીધી હતી. જે બાદ પણ વ્યાજખોરો વધુ રૂપિયા માંગતા વેપારીએ બીજા અઢી કરોડ રોકડા પણ આપ્યા હતા. જે બાદ પણ વ્યાજખોરોએ ન અટકીને વેપારીની સાત કરોડની લેમ્બોરગીની, એક કરોડની મર્સિડિઝ અને ફોર્ચ્યુનર કાર પણ પડાવી લીધી હતી. બીજી તરફ વેપારીને ત્રણથી ચાર અલગ અલગ મકાનો કે જે પહેલેથી જ બેંકોમાં મોર્ગેજ હતા તેને પણ પોતાના નામે કરવા રજિસ્ટ્રાર ઓફિસમાંથી ટોકન લઈ તારીખો પણ નક્કી કરી લીધી હતી.
'આ અંગે વેપારીએ આરોપીઓ પાસેથી લીધેલી રકમ કરતા વધુ રકમ ચુકવી દીધી હોવા છતાં આરોપીઓએ વધુ પૈસા, વૈભવી કાર અને જરૂરી દસ્તાવેજ લઈ લેતા અંતે વેપારીએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસે વેપારીની લેમ્બિર્ગીની કાર પણ વ્યાજખોરો પાસેથી કબજે કરી છે. પોલીસે અન્ય વ્યાજખોરોએ પકડવા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.' -આમ.એમ ઝાલા, PI, નારોલ પોલીસ સ્ટેશન
આપઘાત કરવા મજબૂર: વેપારીએ અલગ અલગ કંપની પાસે લેવાનું બે કરોડની વધુનું બાકી પેમેન્ટ પણ આ વ્યાજખોરો પોતે હડપ કરી લીધું હતું, જેના માટે વ્યાજખોરોએ અલગથી બેન્ક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા. વેપારી કમલ ડોગરા પર વ્યાજખોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે તે આપઘાત કરવા મજબૂર બન્યા હતા. જોકે બાદમાં કલમભાઈ ઘરે કોઈને કહ્યા વગર જ પંજાબ નીકળી ગયા હતા. જોકે વેપારી ઘરે નહિ હોવાથી વ્યાજખોરો વેપારીના ઘરે પહોંચી તેના પરિવારને ધાક ધમકીઓ આપતા હતા. વેપારીને પણ તેના પરિવારનું અપહરણ કરી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હતા. જેથી વેપારીનો પરિવાર પણ જીવ બચાવવા પંજાબ પહોંચ્યા હતા.