અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ મુખ્ય પ્રધાનને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીની પરિસ્થિતિમાં સૌથી વધુ કોઈ અસરગ્રસ્ત હોય તો શૈક્ષણિક વ્યવસ્થા અને શૈક્ષણિક સંકુલો છે. કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકડાઉનની જાહેરાતમાં સૌપ્રથમ શૈક્ષણિક શાળા-કોલેજો બંધ કરવામાં આવ્યા હતા અને સૌથી છેલ્લે શાળા-કોલેજો ખુલવાની છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ વાલીઓ સતત ચિંતિત છે.
રાજ્ય સરકાર પણ શાળ કોલેજો અંગે વિસંગતતા અને અવઢવની પરિસ્થિતિમાંથી બહાર આવે અને જ્યાં સુધી કોરોના સંક્રમણ અટકે નહીં ત્યાં સુધી શાળા-કોલેજો ખોલવી ન જોઈએ તેવી રજૂઆત કરી છે. છેલ્લા ઘણાં સમયથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય માત્ર ઓનલાઈન અને મર્યાદિત સમય માટે જ ચાલી રહ્યું છે. જેમાં સર્વે મુજબ અને જમીની હકીકત તપાસતા 47 ટકા વિદ્યાર્થીઓ જ ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યાં છે. ઓનલાઈન એજ્યુકેશનને કારણે અસમાનતામાં વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.
ગુજરાત કોંગ્રેસે સરકાર સમક્ષ શું કરી માંગણીઓ કરવામાં આવી છે? જેના જવાબ આપતા મનીષ દોશીએ જણાવ્યું કે, રાજ્યમાં માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે અને ઓક્ટોબર-નવેમ્બર સુધી શાળાઓ ખુલે તેવી શક્યતા નથી. શાળાઓને ઈલેક્ટ્રીસિટી, વહીવટી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, અન્ય ખર્ચા સદંતર બંધ છે. આવા સંજોગોમાં સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ-વાલીઓને એક સત્રની ફી માફ કરવી અત્યંત જરૂરી છે. આ બાબતે સરકાર સંચાલકો સાથે તાત્કાલિક સંવાદ દ્વારા ઉકેલ લાવે. રાજ્યમાં માર્ચ મહિનાથી શૈક્ષણિક સ્કૂલો બંધ છે.
નવા શૈક્ષણિક સત્રમાં અભ્યાસક્રમમાં કેટલો ઘટાડો કરવો તે અંગે રાજ્ય સરકારે હજૂ સુધી નિર્ણય કર્યો નથી. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકગણ સતત ચિંતામાં છે. રાજ્ય સરકારે તાકીદે તાર્કિક રીતે અભ્યાસક્રમમાં શૈક્ષણિક દિવસોને ધ્યાનમાં લઈ ઘટાડો કરવો જોઈએ. રાજ્યમાં માર્ચ મહિનાથી શૈક્ષણિક સ્કૂલો બંધ હોવાથી અભ્યાસક્રમમાં CBSE દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ અભ્યાસક્રમ ઘટાડાની સાથે પરીક્ષા પદ્ધતિ, ગુણભાર સહિતની બાબતોને તાત્કાલિક જાહેર કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓને અને તેમને અભ્યાસ કરાવતા વિષય શિક્ષકો પરીક્ષાલક્ષી તૈયારી કરાવવાનું આયોજન કરી શકે.