આ અંગે DySP કે. ટી. કામરિયાએ જણાવ્યું હતું કે, બાળકોને અપહરણ કરીને પુષ્પક સિટીમાં ગોંધી રાખ્યા હોવાના પુરાવા મળ્યા હતા. જેને પગલે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરવામાં આવી છે. ત્યાં પૂજાવિધિનો સામાન પણ મળી આવ્યો હતો. આશ્રમમાંથી બાળકોને 10 દિવસથી વધુ સમય સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. હાલ ગુમ થયેલી યુવતી નંદિતાને શોધવાની તપાસ ચાલી રહી છે.
આ ઉપરાંત બે બાળકોએ આશ્રમમાં ન રહેવાની ફરિયાદ કરતા બંનેને મુક્ત કરાવીને સીડબલ્યુસીને સોંપયા હતાં. બાળકોના પરિવાર અંગે આશ્રમ પાસેથી માહિતી માંગવામાં આવી હતી. બંને બાળકો દિલ્હીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. નિત્યાનંદ આશ્રમમાં પુષ્પક સિટીમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં વિવેકાનંદનગર પોલીસે આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરી છે. આ અંગે યુવતીઓના પિતા જનાર્દન શર્મા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. તો બીજી તરફ DPS સ્કૂલે નિત્યાનંદ સ્કૂલના કરાર રદ કર્યા છે.
અમદાવાદ શહેરનો હાથીજણ નિત્યાનંદ આશ્રમ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. નિત્યાનંદના આશ્રમ યોગીની સર્વાંજ્ઞ પીઠમ સામે તમિલનાડુના રહેવાસી જનાર્દનભાઇ શર્માએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની મોટી દીકરીને આશ્રમમાં ગોંધી રાખી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જેના પગલે ચાઇલ્ડ વેલ્ફેર કમિટિ અને અમદાવાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલામાં 18 વર્ષની યુવતીનાં પિતાએ અનેક આક્ષેપો કર્યાં હતાં. સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની બાળકીને મળવા ગયેલા માતા-પિતાને આશ્રમના બારણે જ રોકી દેવાતા માતા-પિતાએ પોતાની બાળકીને મળવા માટે રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર લગાવી હતી.
આ સમગ્ર ઘટના હાલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. જેને પરીણામે રાજ્ય સરકારના મહિલા આયોગ અને બાળ મહિલા આયોગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમજ અમદાવાદ પોલીસને પણ આ ઘટનાની તાત્કાલિક ધોરણે તપાસ કરી રીપોર્ટ તૈયાર કરવાનો આદેશ કર્યો હતો.