- નરોડાના ધારાસભ્ય ઉજાણીમાં કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા
- થાવાણીની ઓફિસ બહાર ઉજાણીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહીં
- અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે બલરામ થાવાણી
અમદાવાદ : કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં રાજકીય પાર્ટીઓ કોરોનાની ગાઈડલાઈન પાળવાનું હંમેશા ચૂકી છે. આ મુદ્દાને લઈને જાહેર માધ્યમો અને કોર્ટ દ્વારા પણ રાજકીય પાર્ટીઓ પર ટીકા ટિપ્પણી કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં હજુ તેના પ્રત્યે રાજકારણીઓ ગંભીર દેખાતા નથી. નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી પોતાના ધારાસભ્ય બનવાના ત્રણ વર્ષ પુરા થયા નિમિત્તે પોતાની ઓફિસ ખાતે ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા. તેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
સરકાર અને શાસક પક્ષ આવી ઘટનાઓ અંગે જવાબ આપે
અહીં પ્રશ્ન એ આવીને ઊભો થાય છે કે, જ્યારે પ્રજાને તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઇનના ભંગ માટે મસમોટો દંડ કરવામાં આવતો હોય છે. ત્યારે પ્રજા માટે લગ્ન અને અંતિમ સંસ્કારને લઈને નિયમો સરકાર બનાવતી હોય, તો શું ધારાસભ્ય અને શાસક પક્ષ આ નિયમોથી ઉપર છે ? તેનો જવાબ સરકાર આપે.