અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરી અમદાવાદથી વાપી સુધીની યુદ્ધ સ્તરે હાલ ચાલી રહી છે. અમદાવાદથી વાપી સુધીમાં આવતા દરેક સ્ટેશનની કામગીરી હાલ અંતિમ પડાવ ઉપર છે. અમદાવાદમાં હાલ સાબરમતી નદી પટ પુલ બની રહ્યો છે જયારે સુરત ખાતે થાંભલા નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગ પર કુલ 16 પિલર લગાવવામાં આવ્યા છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જુનના રોજ સુરતની મુલાકાતે આવનાર છે. મુલાકાતને લઈને તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નિર્માણાધિન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે.
દાંડી યાત્રાની થીમ પર સાબરમતી સ્ટેશન: બિક્સી સ્ટેશન અને શીલફાટા સ્ટેશન વચ્ચે લગભગ 21 કિલોમીટર લંબાઈની ટનલ બનાવવામાં આવી છે. 1.36 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું આ સ્ટેશનના દરેક ફ્લોર પર તમને હાઇ-ફાઇ રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ મળશે. આ સ્ટેશનની સંપૂર્ણ રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આ ઇમારત ભારતની પ્રથમ હાઇ-સ્પીડ રેલ લાઇનના ઉત્તરીય ટર્મિનસ તરીકે કામ કરશે. નવ માળના સ્ટેશનમાં પહેલા ત્રણ માળે પાર્કિંગ હશે. એક સાથે 1200 વાહનો પાર્ક કરી શકાય તેટલી જગ્યા હશે. આ ઉપરાંત ફૂડ કોર્ટ, દુકાનો વગેરે માટે 31,500 ચોરસ મીટર વિસ્તાર રાખવામાં આવ્યો છે. સ્ટેશન બિલ્ડિંગમાં અલગ-અલગ માળ પર કુલ 60 રૂમ હશે. બાળકો માટે પ્લે એરિયા અને રેસ્ટોરન્ટ પણ હશે. સાબરમતી સ્ટેશનના સાતમા અને ચોથા માળે ટેરેસ ગાર્ડન પણ બનાવવામાં આવશે. દાંડી યાત્રાની થીમ પર સાબરમતી સ્ટેશન બનાવવામાં આવશે. આ સ્ટેશનની પ્રતિકૃતિ સ્પિનિંગ વ્હીલ જેવી છે.
વડોદરામાં કામગીરી પૂર્ણતતાને આરે: વડોદરા બુલેટ ટ્રેન રૂટ પર જમીન સંપાદનની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે. બરોડા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં હજુ બુલેટ ટ્રેનનું બહુ ઓછું કામ બાકી હોવા છતાં બરોડા પહેલા આણંદ વિસ્તારમાં બુલેટ ટ્રેનના પિલરનું કામ ચાલી રહ્યું છે. વડોદરા રેલવે સ્ટેશન પાસે રેલવે પ્લેટફોર્મ અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક ટ્રેકનું કામ કરતી એલએનટી કંપની દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. પંડ્યા બ્રિજ નજીક 30 મીટરની ઉંચાઈ ધરાવતું રેલવે પ્લેટફોર્મ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 450 મીટર લાબું પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને 850 મીટરની લંબાઈ ધરાવતો એપ્રોચ પણ તૈયાર કરવામાં આવશે.
નર્મદા નદી પર પુલનું નિર્માણ: ભરૂચમાં નર્મદા નદી પર બુલેટ ટ્રેનના બ્રિજના નિર્માણમાં મુખ્ય બ્રિજની બંને બાજુ 8 મીટર પહોળાઈના 2 બ્રિજ બનાવવામાં આવ્યા છે. નર્મદા બ્રિજ પછી તાપી અને મહી બ્રિજ 720 મીટર લંબાઇ સાથે બીજા નંબરનો સૌથી મોટો બ્રિજ બન્યો છે. ભરૂચ શહેરમાં નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોરમાં સૌથી લાંબો પુલ બનશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ 31.3 કિમીનો રેલવે ટ્રેક ભરૂચ જિલ્લામાંથી પસાર થશે. આ ઉપરાંત રેલ્વે પ્રોજેક્ટ માટે જિલ્લામાંથી કુલ 783 પોલ ઉભા કરવામાં આવશે.
સુરત સ્ટેશન પરકામગીરી યુદ્ધ સ્તરે: સુરત અને બેલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય છે. સુરત જિલ્લામાંથી 48 કિમીના રૂટ પર દોડતી બુલેટ ટ્રેનની કામગીરીએ વેગ પકડ્યો છે. કુલ 144.48 હેક્ટર જમીન અને 999 બ્લોકનું કામ પૂર્ણ થયું છે. જમીનથી 54 ફૂટની ઊંચાઈએ બુલેટ ટ્રેન દોડશે. એટલું જ નહીં 18 મીટર ઊંચા થાંભલા, 8 મીટર ઊંડો ફાઉન્ડેશન, 4 મીટર પહોળો રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં 12 કિમી વિસ્તારમાં પિલરનું કામ કરવામાં આવ્યું છે. નવી ટેક્નોલોજી સાથે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનને વધુ આરામદાયક બનાવવા માટે કામ ચાલી રહ્યું છે.
ગુજરાતના ગેટ-વે પર કામગીરી: હાલમાં આ સ્ટેશનના થાંભલા ઉભા કરવાનું કામ ચાલી રહ્યું છે. વાપી સ્ટેશન પાસે જમીનનું ખોદકામ, જમીન સમતળ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામ પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે તે હજુ સ્પષ્ટ નથી. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ કોરિડોર પર વાપી નજીક ચેન્જ 167 ખાતે બુલેટ ટ્રેન સ્ટેશન ખોલવામાં આવ્યું છે. સ્ટેશનની કામગીરીના કારણે અહીં લગભગ 12 થી 15 મીટરની ઉંચાઈના થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા છે. દમણગંગા નદીના માટી પરીક્ષણ બાદ દમણગંગા નદીમાં 7 પિલર બનાવવામાં આવી રહ્યા છે. વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્તારમાં નિર્માણ થનાર બુલેટ ટ્રેન સ્ટેશન અમદાવાદ પછીનું સૌથી મહત્વનું સ્ટેશન છે, જેની લંબાઈ 1200 મીટર છે. આ કોરિડોર પર ઉભા કરવામાં આવતા થાંભલાઓમાં 183 ક્યુબિક મીટર કોંક્રિટ અને 18,820 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.