- પોલીસ અને સરકારના રહેમનજર હેઠળ બાપુના રાજ્યમાં દારુની રેલમછેલ
- આ સમયગાળામાં વિવિધ કેફી દ્રવ્યોનો 68.60 કરોડનો જથ્થો જપ્ત કરાયો
- વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કર્યા ચોંકાવનારા આંકડા
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન બુધવારે 3 માર્ચ, 2021ના રોજ પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા કેટલાક સવાલોના સરકારે જવાબ આપ્યા હતા. ગુજરાતમાં પકડાયેલા કેફી દ્રવ્યો અંગે કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નનો મુખ્યપ્રધાનને લેખિતી માહિતી આપી હતી.
લોકડાઉનના 67 દિવસના સમયમાં દારુનો મોટો જથ્થો જપ્ત
ગાંધીના ગુજરાતમાં શરુઆતથી જ દારુબંધીનો કાયદો અમલમાં છે. તેમ છતાં આટલો મોટો દારુનો જથ્થો પકડાયો છે. તે પોલીસ અને સરકારની રહેમનજર હેઠળ જ થયું હોવાનું માનવામાં આવે છે. નવાઇની વાત એ છે કે, કોરોના કાળના 2020ના 67 દિવસો દરમિયાન સખત લોકડાઉનની વચ્ચે પણ કેટલાક જિલ્લામાં તો અગાઉના 2019ના વર્ષ કરતા પણ દારુનો વધુ જથ્થો પકડાયો હોવાનો વિભાગનો હવાલો પણ છે. નાયબ મુખ્યપ્રધાન અને નાણા પ્રધાન નીતીન પટેલ વિધાનસભામાં પોતાનું 9મુ બજેટ રજૂ કરે તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નકાળ દરમિયાન મુખ્યપ્રધાન સમક્ષ રાજ્યમાં દારુ અને કેફી દ્રવ્યોની સ્થિતિ અંગે સવાલો કર્યા હતા. તે અંગે નાયબ મુખ્યપ્રધાનને ગૃહમાં લેખિતમાં આંકડાકીય માહિતી આપી હતી.
15.65 કરોડ વિદેશી દારુની બોટલ્સ પકડાઇ
સરકારી આંકડાકીય માહિતી માહિતી મુજબ ગત બે વર્ષમાં 198,30,12,826 રૂપિયાની કિંમતની 15,58,65,199 વિદેશી દારુની બોટલ્સ પકડવામાં આવી હતી. જ્યારે 3,65,92,833ની કિમતનો 34,72,722 લીટર દેશી દારુનો જથ્થો પકડવામાં આવ્યો હતો.
![ગુજરાત વિધાનસભા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-09-alcohol-in-gujarat-video-story-7208977_03032021152033_0303f_1614765033_1091.jpg)
13.18 કરોડ રુપિયાની બિયર બોટલ્સ જપ્ત
આ ઉપરાંત બે વર્ષમાં રાજ્યમાંથી 13,18,33,348 રુપિયાની કિંમતની 41,23,503 બિયરની બોટલ્સ પણ જપ્ત કરવામાં આવી. આમ કુલ 215,14,39,007ની કિંમતનો દેશી-વિદેશી દારુનો જથ્થો રાજ્યમાંથી જપ્ત કરવામાં આવ્યો છે.
રાજ્યમાં બે વર્ષમાં 68 કરોડથી વધુ રૂપિયાનો કેફી દ્રવ્યોનો જથ્થો જપ્ત
દારુ સિવાય ગુજરાતમાં વિવિધ કેફી દૃવ્યોનું વ્યસન પણ પંજાબની જેમ જ ફાલીફૂલી રહ્યું છે. જે અંગે માહિતી આપતા મુખ્યપ્રધાન રુપાણીએ આંકડાકીય માહિતી આપી હતી કે, રાજ્યમાં બે વર્ષમાં 68,60,33,310 રૂપિયાની કિંમતનો કેફી દ્રવ્યોનો જથ્થો નાર્કોટિક વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
દારુ-ડ્રગ્સના ગુનામાં 4,545 આરોપીની ધરપકડ થવાની બાકી
ડ્રગ્સના આ જથ્થામાં અફીણ, ગાંજો, ચરસ, પોસડોડા/પાવડર, હેરોઇન, મેફેડ્રોનનો સમાવેશ થાય છે. જો કે સરકાર દ્વારા આ ગુનામાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી તે અંગે માહિતી આપી શકી નથી, પરંતુ એટલું જણાવાયું હતું કે, દારુ અને કેફી દ્રવ્યોના ગુનામાં રાજ્યમાં 4,545 આરોપીઓની ધરપકડ થવાની બાકી છે.
અમદાવાદ સમગ્ર રાજ્યમાં અગ્રેસર અને રંગીલું રાજકોટ બીજા સ્થાને
જિલ્લાવાર દેશી-વિદેશી દારુના પકડાયેલા જથ્થાની વાત કરવામાં આવે તો અમદાવાદ સિવાય બનાસકાંઠા, રાજકોટ, કચ્છ, સુરત, વલસાડ અને વડોદરામાં દેશી-વિદેશી દારુની દાણચોરીના કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદમાં સૌથી વધુ 23,48,60,000 રૂપિયાનો દેશી વિદેશી દારુ અને બિયર પકડવામાં આવ્યું હતું. જે બાદ રાજકોટ બીજા નંબરે રહ્યું, જ્યાં 14,24,87,780 રુપિયાની કિંમતનો દારુ જપ્ત કરવામાં આવ્યો છે.