અમદાવાદ: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના કેસમાં 135 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરી હતી. આ કેસની આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે આજે આ કેસમાં મુદત પડી હતી. આગામી વધુ સુનાવણી 10 ઓગસ્ટના હાથ ધરવામાં આવશે.
અત્યાર સુધી સુનાવણીમાં શું થયું: ગત સુનાવણી સુધીમાં હાઇકોર્ટે મોરબી ઝૂલતા પુલના દુર્ઘટનાના કેસ મામલે આરોપી તેમજ મૃતકોને વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો હતો. જેમાં કંપનીના એમડી જયસુખ પટેલને પ્રતિ મૃતક 10 લાખનું વચગાળાનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો અને ઇજાગ્રસ્તને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા આદેશ: આ સાથે જ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે રાજ્યમાં આવેલ તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા માટે પણ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યા હતા. જેમાં આદેશના પગલે તમામ બ્રિજનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને તેની વિગતો પણ કોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી. જો કોઈ બ્રિજ ધરાશાયી થાય છે તો તેની અંગેની નુકસાનની નીતિ બનાવવા માટે પણ સરકારને આદેશ આપ્યા હતા.
મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઈ: મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાને પગલે હાઇકોર્ટે મોરબી નગરપાલિકાને પણ સુપરસીડ કરવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કરેલા આદેશ પર સરકારે આખી મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી હતી. આ ઘટનાના પગલે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની બેદરકારી સાબિત થતી હોવાથી તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
10 લોકોની ધરપકડ: આ દુર્ઘટનામાં તપાસ હાથ ધરવામાં આવતા 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોએ ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટ ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને બે ક્લાર્ક એમ પાંચ લોકોને જામીન મંજૂર કર્યા છે. ત્યારબાદ ઓરેવા ગ્રુપના મેનેજર દ્વારા પણ જામીન અરજી દાખલ કરવામાં આવી છે અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે પણ નિયમિત જામીન માટે અરજી દાખલ કરેલી છે. જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.