અમદાવાદ : કથાકાર મોરારી બાપુ દ્વારા શ્રાવણ મહિનામાં એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 22 જુલાઈ 2023 થી 8 ઓગસ્ટ 2023 સુધી મોરારી બાપુ 12 જ્યોતિર્લિંગ મંદિરમાં રામકથા કરશે. યાત્રા દરમિયાન 3 પવિત્ર ધામો અને તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત કરશે. આ યાત્રાનો આશય 8 રાજ્યોમાં લગભગ 12,000 કિલોમીટરની સફર કરીને સનાતન ધર્મની મૂળભૂત સત્વતા, ભગવાન રામના નામની મહિમા અને ભારતને એક કરતી પરંપરાઓને મજબૂત બનાવવાનો છે.
રામકથા ટ્રેનયાત્રા : પ્રથમ કથા 22 જુલાઈના રોજ કેદારનાથમાં લગભગ 12,000 ફૂટની ઊંચાઈએ યોજાશે. જ્યોતિર્લિંગ રામકથા ટ્રેન યાત્રા 23 જુલાઈ 2023 ના રોજ ઋષિકેશથી શરૂ થશે. મોરારી બાપુ આ આધ્યાત્મિક યાત્રામાં 18 દિવસ સુધી અવિરતપણે ભગવાન રામના ઉપદેશોનો ફેલાવો કરશે. આ યાત્રા 8 ઓગસ્ટ 2023 ના રોજ મોરારી બાપુના ગામ તલગાજરડામાં સમાપ્ત થશે.
વિશેષ ટ્રેન : આ યાત્રાને સુવિધાજનક બનાવવા માટે કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાસ તૈયાર કરાયેલી ટ્રેનોમાં કુલ 1008 શ્રદ્ધાળુઓ યાત્રા કરશે. ટ્રેનના કોચના બહારના ભાગ 12 જ્યોતિર્લિંગ મંદિર, સનાતન ધર્મના મુખ્ય ધામ, તિરુપતિ બાલાજી મંદિર અને બાપુના ગામના દ્રશ્યોથી શણગારેલા છે.
તમામ જ્યોતિર્લિંગની યાત્રા : આ યાત્રા તમામ દિવસોમાં રામકથા બધા માટે ખુલ્લી રહેશે. જેથી વ્યક્તિઓ યાત્રામાં કોઈપણ સ્થાનથી સીધા જ જોડાઈ શકે છે. આ સમાવેશી અભિગમ એકતાની ભાવનાને મજબૂત કરવાની અને જીવનના અલગ-અલગ ક્ષેત્રના લોકોને આ આધ્યાત્મિક પરિવર્તનશીલ અનુભવમાં ભાગ લેવાની તક આપે છે. આયોજકો દ્વારા તમામ ભક્તોને પ્રસાદ તરીકે ત્રણ સમયનું ભોજન પણ આપવામાં આવશે. શ્રાવણના શુભ મહિનામાં તમામ જ્યોતિર્લિંગની યાત્રા તમામ ઉપસ્થિતો માટે એક નોંધપાત્ર સિદ્ધિ હશે.
આ પવિત્ર યાત્રા દ્વારા અમારું લક્ષ્ય ભારતની વિવિધતામાં એકતા દર્શાવા અને સનાતન ધર્મની સમજને પ્રોત્સાહન આપવાનું છે. ભગવાન રામનું નામ આપણા રાષ્ટ્રના દરેક ખૂણે ગુંજતું કરીએ. બધા માટે શાંતિ અને સંવાદિતાના પ્રયત્ન કરીએ.-- મોરારી બાપુ (રામ કથાકાર)
ભારતીય રેલવેનો સહયોગ : આ કાર્યક્રમનું આયોજન ઇન્દોરના વેપારી રૂપેશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ આ જ્યોતિર્લિંગ રામકથા યાત્રાને સફળ બનાવવા માટે IRCTC સાથે મળીને અથાક મહેનત કરી રહ્યા છે. રામકથા બહુવિધ પવિત્ર સ્થળોએ યોજવામાં આવશે જ્યારે જગન્નાથ પુરી, તિરુપતિ બાલાજી અને દ્વારકાધીશ માત્ર મુલાકાત અને દર્શન માટે હશે. આ યાત્રામાં માત્ર 18 દિવસમાં 12,000 કિલોમીટરની સફર કરી તમામ જ્યોતિર્લિંગોની મુલાકાત કરવાનો અવસર મળશે. તેની સાથે ભક્તો મોરારી બાપુના દૈનિક પ્રવચનો સાંભળી શકશે
રામકથા ટ્રેનયાત્રાની સંપૂર્ણ કાર્યક્રમ
- 22 જુલાઈ, 2023, કેદારનાથ, ઉત્તરાખંડ
- 24 જુલાઈ, 2023, વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ઉત્તરપ્રદેશ
- 25 જુલાઈ, 2023, બૈદ્યનાથ જ્યોતિર્લિંગ, ઝારખંડ
- 26 જુલાઈ, 2023, જગન્નાથ પુરી, ઓડિશા
- 27 જુલાઈ, 2023, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, આંધ્રપ્રદેશ
- 28 અને 29 જુલાઈ, 2023, રામેશ્વરમ જ્યોતિર્લિંગ, તમિલનાડુ
- 30 જુલાઈ, 2023, તિરુપતિ બાલાજી મંદિર, આંધ્રપ્રદેશ
- 31 જુલાઈ, 2023, નાગેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર
- 1 ઑગસ્ટ, 2023, ભીમશંકર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર
- 2 ઑગસ્ટ, 2023, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર
- 3 ઑગસ્ટ, 2023, ગૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર
- 4 ઑગસ્ટ, 2023, ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ
- 5 ઑગસ્ટ, 2023, મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ
- 6 ઑગસ્ટ, 2023, દ્વારકાધીશ મંદિર, દ્વારકા
- 6 ઑગસ્ટ, 2023, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગુજરાત
- 7 ઑગસ્ટ, 2023, સોમનાથ જ્યોતિર્લિંગ, ગુજરાત
- 8 ઑગસ્ટ, 2023, તાલગજરડા, ગુજરાત